Ahmedabad: અમદાવાદમાં એપ્રિલના આરંભે છ દિવસમાં સ્વાઈન ફલૂના ૪૯ કેસ
નોંધાયા છે.ગરમી વધવાની સાથે ઝાડા ઉલટીના ૩૩૧ કેસ નોંધાયા છે.અમરાઈવાડી ઉપરાંત
વટવા તથા દાણીલીમડા વોર્ડમાં કોલેરાનો એક-એક કેસ નોંધાયો છે.
અમદાવાદમાં માર્ચ મહિનામાં સ્વાઈન ફલૂના ૨૩૨ કેસ નોંધાયા
હતા.એપ્રિલ મહિનામાં અત્યારસુધીમાં ૪૯ કેસ
નોંધાયા છે.પાણીજન્ય રોગના કેસની સંખ્યામાં વધારો થઈ રહયો છે.ટાઈફોઈડના ૬૮ તથા
કમળાના ૪૬ કેસ નોંધાયા છે.મ્યુનિ.ના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડોકટર ભાવિન
સોલંકીએ કહયુ,અમરાઈવાડી, વટવા તથા
દાણીલીમડા વોર્ડમાં કોલેરાનો એક-એક કેસ નોંધાતા જયાં સ્લમ કે ચાલી વિસ્તાર આવેલા
છે તેવા સ્થળે હેલ્થ વિભાગ તરફથી સઘન તપાસ શરુ કરવામાં આવી છે. બરફના ગોળા ઉપરાંત
શેરડીનો રસ સહિતની ચીજ જયાં વેચવામા આવતી હોય એવા સ્થળોએ બિન આરોગ્યપ્રદ સ્થિતિ
જણાય તો સેમ્પલ લેવામાં આવી રહયા છે.એપ્રિલ મહિનામાં બેકટેરીયોલોજીકલ તપાસ માટે
૧૪૭૪ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.આ પૈકી ૩૮ સેમ્પલ અનફીટ જાહેર કરવામાં આવ્યા
છે.૪૭૬૧ રેસી.કલોરીન ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા.આ પૈકી ૧૬૪ સેમ્પલનો
કલોરીન રીપોર્ટ નીલ આવ્યો હતો.ડેન્ગ્યૂના છ તથા મેલેરિયાના ત્રણ કેસ છ દિવસમાં
નોંધાયા હતા.
પશ્ચિમ ઝોનમાં સ્વાઈન ફલૂના સૌથી વધુ કેસ
આ વર્ષના આરંભે જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં શહેરમાં સ્વાઈન
ફલૂના કુલ ૪૩૦ કેસ નોંધાયા છે.એપ્રિલ માસના છ દિવસમાં સ્વાઈન ફલૂના ૪૯ કેસ નોંધાયા
છે.જે પૈકી પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૧૭ કેસ
નોંધાયા છે.ઉત્તરઝોનમાં ૧૧,
ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૧૦,
મધ્યઝોનમાં ૬ કેસ ઉપરાંત પૂર્વઝોનમાં
ચાર તથા દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સ્વાઈનફલૂનો એક કેસ નોંધાયો છે.