વડોદરા,છીપવાડ ચાબુક સવાર મહોલ્લામાં ગૌ માંસના સમોસા બનાવીને વેચતા પિતા – પુત્રને પોલીસે ઝડપી પાડયા હતા. તેઓને ગૌ માંસ સપ્લાય કરનાર આરોપીને સિટિ પોલીસે ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે.
પોલીસે મધ્યસ્થ છીપવાડમાં ગૌ માંસના સમોસા બનાવીને વેચતા પિતા મહંમદયુસુફ તેના પુત્ર મહંમદનઇમ તથા ચાર કારીગરો મહંમદહનિફ ગનીભાઇ ભઠીયારા, દિલાવરખાન ઇસ્માઇલખાન પઠાણ, મોઇન મહેબૂબશા હબદાલ તથા મોબીન યુસુફભાઇ શેખને ઝડપી પાડયા હતા. પોલીસે તેઓના રિમાન્ડ મેળવી હાથ ધરેલી પૂછપરછ દરમિયાન ગૌ માંસનો જથ્થો આણંદ નજીકના ભાલેજ ગામે રહેતા ઇમરાન ઉર્ફે દાહોદી યુસુફભાઇ કુરેશી પાસેથી લાવ્યા હોવાનું કબૂલ કર્યુ હતું. ડીસીપી પન્ના મોમાયાની સૂચના મુજબ, સિટિ પી.આઇ. આર.બી. ચૌહાણે ઇમરાન ઉર્ફે દાહોદીની ધરપકડ કરી હતી.પોલીસે હાથ ધરેલી પૂછપરછ દરમિયાન એવી વિગતો જાણવા મળી હતી કે, ઇમરાન ઉર્ફે દાહોદી અગાઉ શહેરના પ્રતાપ નગર તથા સયાજીગંજ વિસ્તારના કતલખાનામાં નોકરી કરતો હતો. તેણે છીપવાડના મહંમદયુસુફને અગાઉ ત્રણ વખત ગૌ માંસ સપ્લાય કર્યુ છે. વડોદરામાં અન્ય કેટલા સ્થળે તેણે ગૌ માંસ સપ્લાય કર્યુ છે ? તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.