– સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું, ઈજ્જત બચાવવા પગલું ભરું છું : સ્યુસાઈડ નોટમાં એજન્ટ કલ્પેશ સોની અને ઉઘરાણી માટે ફોન કરનારનો ઉલ્લેખ કર્યો હતો
– ગોડાદરા રહેતા રીંગરોડ આદર્શ માર્કેટ 1 માં દુકાનધારક 45 વર્ષીય રાજેન્દ્રસિંહ રાજપૂતે બુધવારે ઘરમાં ઝેરી દવા પીધા બાદ મોત થયું હતું
સુરત, : સુરતના ગોડાદરા ગોડાદરા કેશવપાર્કમાં રહેતા અને રીંગરોડ આદર્શ માર્કેટ 1 માં દુકાન ધરાવતા 45 વર્ષીય વેપારીએ ઈજ્જત બચાવવા આ પગલું ભરું છું તેવી સ્યુસાઈડ નોટ લખી આપઘાત કરી લેતા ગોડાદરા પોલીસે તેમને લોન અપાવનાર એજન્ટ અને ઉઘરાણી માટે ફોન કરનાર વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના વતની અને સુરતમાં ગોડાદરા કેશવપાર્ક સોસાયટી ઘર નં.85 માં રહેતા તેમજ રીંગરોડ આદર્શ માર્કેટ 1 માં શુટની દુકાન ધરાવતા 45 વર્ષીય રાજેન્દ્રસિંહ રાજપૂતે બુધવારે સવારે ઘરમાં ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.તેમના પરિવારજનોને પેન્ટના ખિસ્સામાંથી એક કાપલી ઉપર હિન્દીમાં લખેલી સ્યુસાઈડ નોટ મળી હતી.તેમાં તેમણે લોન અપાવનાર એજન્ટ કલ્પેશ સોની અને લોનની ઉઘરાણી માટે ફોન કરનારનો ઉલ્લેખ કરી ઈજ્જત બચાવવા આપઘાત કરું છું તેવું લખ્યું હતું.આ અંગે જાણ થતા પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે વર્ષ 2018 માં શરૂ કરેલા કાપડના વેપારમાં નુકશાન થતા રાજેન્દ્રસિંહે આઈઆઈએફએલમાંથી સાતથી આઠ લોન લીધી હતી.જોકે, એજન્ટ કલ્પેશ સોનીએ તેમની જાણ બહાર ઉંચા વ્યાજે લોન અપાવી હતી.
આર્થિક સ્થિતિ ખરાબ હોય હપ્તા ભરી શકવા અસમર્થ રાજેન્દ્રસિંહને આઈઆઈએફએલના કલેક્શન સેન્ટરના નંબર પરથી ફોન કરી ઉઘરાણી કરી ધમકી આપતા હતા.આ બધી હકીકતના આધારે ગોડાદરા પોલીસે ગતરોજ રાજેન્દ્રસિંહના પુત્ર જીતેન્દ્રસિંહની ફરિયાદના આધારે એજન્ટ કલ્પેશ સોની અને ઉઘરાણી માટે ફોન કરનાર વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.