Kshatriya Asmita Sammelan : લોકસભા ચૂંટણી વચ્ચે રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. રૂપાલા દ્વારા માફી માગવા છતાં ક્ષત્રિય સમાજ માફ કરી રહ્યા નથી. ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. સૌરાષ્ટ્ર સહિત અનેક શહેરો અને ગામડાઓમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે ધંધુકામાં પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરાવવા મામલે ક્ષત્રિય સમાજનું ‘અસ્મિતા મહાસંમેલન’ યોજાયું છે. ધંધુકાના ચુડાસમા બોર્ડિંગ દ્વારા સ્વસ્તિક સોસાયટીમાં આ મહાસંમેલનનું આયોજન કરાયું છે.
હજુ રાજકોટ જિલ્લામાં મહાસંમેલન યોજાશે : પી.ટી. જાડેજા
રાજપૂત યુવા સંઘના રાષ્ટ્રીય પ્રમુખ પી.ટી. જાડેજાએ કહ્યું કે, ‘પરશોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ કરો. ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. પચાસ હજારથી વધુ લોકો આવ્યા છે. સરકારને અમારો સંદેશો છે કે આનાથી વધારે રોષ ભભૂકશે. આ સ્વયંભુ રોષ છે, વિરોધ પ્રદર્શનની આગળ પાછળ કોઈ નથી. આતો ખાલી ધંધુકા તાલુકાનું સંમેલન છે, આગામી સમયમાં જિલ્લા અને તાલુકા સુધી સંમેલનો કરાશે. ત્યારબાદ રાજકોટમાં મહાસંમેલન યોજાશે. ગામે ગામ ભાજપના આગેવાના સભા કે પ્રવેશ નહીં કરી શકે. સરકારને અમારી નમ્ર વિનંતી છે કે રૂપાલાની ટિકિટ રદ કરો. 15 દિવસથી લડાઈ કરી રહ્યા છે.’
સરકાર સાથે બેઠક અંગે પી.ટી. જાડેજાએ કહ્યું કે, ‘રૂપાલાની ટિપ્પણી માફ કરાય એમ નથી. તે માટે અમને ક્યારેય ન બોલાવતા. આજે જે બેઠક થઈ તેની જાણ છે પણ બેઠકમાં શું વાત થઈ તેની માહિતી મારી પાસે નથી. અમને જે ક્ષત્રિય નેતાઓ મળવા આવ્યા હતા તે નવ મંત્રીઓને બોલાવવામાં આવ્યા છે.’
મહાસંમેલનમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ ઉપસ્થિત
ધંધુકામાં પરશોત્તમ રૂપાલાના વિરોધમાં યોજાયેલા આ મહાસંમેલનમાં રાજપૂત અને ક્ષત્રિય સમાજના તમામ સંગઠનો જોડાયા છે. જેમાં ક્ષત્રિય સમાજની 92 સંસ્થાના આગેવાનોની ઉપસ્થિતિ રહ્યા છે. રમજુબા જાડેજા, રાજપૂત યુવા સંઘના રાષ્ટ્રીય પ્રમુખ પી.ટી જાડેજા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ પણ ઉપસ્થિત રહ્યા છે.
રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં પહોંચ્યા ક્ષત્રિયો
રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિયો પણ ઉપસ્થિત રહ્યા છે. લિંબડી, અમદાવાદ, રાજકોટ, અમરેલી, જામનગર, ભાવનગર, સાણંદ સહિત આસપાસના ગામમાંથી પણ લોકો પહોંચ્યા છે. મહત્વનું છે કે, અગાઉ ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગરમાં સંમેલન યોજાયું હતું.
અમારી એક જ માગ રૂપાલાની ટિકિટ રદ થાય : શેરસિંહ રાણા
ક્ષત્રિય આગેવાન શેરસિંહ રાણા અમદાવાદ પહોંચ્યા છે. તેમણે કહ્યું કે, રૂપાલાના નિવેદનથી સમાજને ઠેસ પહોંચી છે. સમાજનું અપમાન સહન ન થાય, અમારા પૂર્વજોએ ભોગ આપ્યો છે. અમારી એક જ માગ રૂપાલાની ટિકિટ રદ થાય.
આજે રૂપાલા વિવાદ મામલે ગાંધીનગરમાં યોજાઈ હતી બેઠક
આજે (રવિવાર) ક્ષત્રિય સમાજમાં રોષને શાંત કરવા માટે ગાંધીનગરમાં મંત્રીના નિવાસસ્થાને મોટી બેઠક મળી હતી. નવ જેટલા ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓની બેઠક મળી રહી હતી. જેમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, બલવંતસિંહ રાજપૂત, કેસરીદેવસિંહ ઝાલા તેમજ મહેન્દ્રસિંહ સરવૈયા, આઈ.કે.જાડેજા પણ હાજર રહ્યા હતા. આ બેઠક સાડા ચાર કલાક સુધી ચાલી હતી. તો હવે આ બેઠકમાં થયેલી ચર્ચાની માહિતી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને આપવામાં આવશે. બીજી તરફ, રૂપાલા આજે સુરતમાં પાટીદાર સમાજના સ્નેહમિલનમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે. જ્યાં મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો અને સમાજના લોકો હાજર રહેશે.
અગાઉ રાજકોટમાં યોજાઈ હતી ક્ષત્રિય સમાજની મહારેલી
ગઈકાલે રાજકોટમાં રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજે મહારેલી યોજી હતી. જેમાં કેસરી સાફા સાથે પુરુષો અને કેસરી સાડી સાથે મહિલાઓ જોવા મળી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટ્યા હતા.
આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલનની તૈયારી!
રાજકોટ લોકસભાની બેઠક પરથી પરશોત્તમ રૂપાલા જ લડશે તેવું ભાજપે વલણ સ્પષ્ટ કરતા ક્ષત્રિયોનો આક્રોશ વધ્યો છે અને હજુ ટિકીટ રદ થશે તેવી આશા અને અપેક્ષા સાથે આંદોલનાત્મક કાર્યક્રમો જારી રખાયા છે. આજે રાજકોટ, જામનગર અને દ્વારકામાં ક્ષત્રિયોની વિશાળ રેલી યોજાઈ હતી જેમાં દરેક સ્થળે ક્ષત્રિય મહિલાઓની સંખ્યા પણ નોંધપાત્ર રહી હતી. ‘રૂપાલા હાય હાય’ના સૂત્રોચ્ચારો સાથે જય ભવાનીના નારા ગુંજી ઉઠયા હતા. તો રાજકોટમાં રાજપૂતોની યોજાયેલી સંકલન બેઠકમાં જો રૂપાલા યથાવત્ જ રહે તો જલદ કાર્યક્રમો આપવાનો નિર્ણય જાહેર કરાયો છે. બેઠકમાં 16થી વધુ જિલ્લાના ક્ષત્રિય સમાજના સંમેલનની વ્યૂહનીતિ બનાવામાં આવી છે.
રૂપાલા સામેના વિરોધમાં કોઈ રાજકીય નેતાને સામેલ નહીં કરાય : ક્ષત્રિય સમાજ
પરશોત્તમ રૂપાલાએ કરેલા નિવેદનને લઇને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે. રૂપાલા સામેના આક્રોશ અંગે ક્ષત્રિય સમાજનો મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ, ક્ષત્રિય સમાજના કોઈપણ રાજકીય વ્યક્તિને આંદોલનમાં સામેલ નહીં કરાય. આંદોલનને રાજકીય રંગ ન પકડે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકીય વ્યક્તિ આંદોલનમાં યોગદાન આપી શકે પણ જવાબદારી નહીં, શનિવારે રાજકોટમાં મળેલી ક્ષત્રિય સમાજની બેઠકમાં આ નિર્ણય લેવાયો.