પરવાનગી વિના બાંધકામ, પાલિકાના બાબુઓની પોલ ખુલી ગઈ
ખુલ્લા વાયર, ફાયર સેફ્ટીનાં સાધનોનો અભાવ, બિલ્ડિંગને ઉડાવવા આતંકવાદીની જરૂર જ નથી : SDM
દાહોદમાં ફાયર સેફ્ટીના સાધનોના અભાવે વિવિધ સ્થળે સીલ મરાય છે.

રાજકોટ ગેમઝોનની આગ હોનારતના કારણે દાહોદના ઉંઘતા અધિકારીઓની ખુરશી નીચે પણ અંગારા પડતા હવે સરકારી બાબુઓ કાળઝાળ ગરમીમાં દોડતા થયા છે. ત્યારે દાહોદમાં સિનેમેરા મલ્ટીપલેકસ અને બરોડા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને સીલ કરી દેવાતાં ખળભળાટ મચી ગયો છે.

દાહોદ શહેરમાં આવેલી 150 જેટલી હાઇરાઇઝ બિલ્ડીંગો પૈકી 50થી વધુ બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટીના એનઓસી જ લીધેલા ન હોવાનો ઘટસ્ફેટ થતા શહેરનો ઘણો ખરો ભાગ જોખમી ટાવરોમાં વસી રહ્યો હોવાનું પુરવાર થયુ છે. ત્યારે ગુરુવાર તારીખ 30 મેના રોજ એસડીએમ નિલાંજસા રાજપૂત, મામલતદાર મનોજ મિશ્રા તેમનો સ્ટાફ્ નગર પાલિકાના ચીફ્ ઓફ્સિર યશપાલસિંહ વાઘેલા અને પાલિકાનો સ્ટાફ્ સવારથી જ મેદાનમાં આવી ગયો હતો. સૌથી પહેલાં માણેકચોક પાસે આવેલી બરોડા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમા તપાસ હાથ ધરવામાં આવી હતી.આ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની સુવિધા તો હતી. પરંતુ ચેક લિસ્ટ પ્રમાણે સરખામણી કરતાં ક્ષતિઓ ધ્યાને આવી હતી.જેમાં બિન ખેતીની પરવાનગી નથી, બિલ્ડીંગ યુઝનો હુકમ નથી, સ્ટ્રક્ચર સટેબિલિટીની તપાસ થયેલી નથી, નિયમોનુસાર બાંધકામ થયેલુ નથી, એન્ટ્રી એક્ઝિટની વ્યવસ્થા નથી, આગ કે ભૂકંપ વખતે લોકોને સરળતાથી બહાર કાઢવા કે આવી કુદરતી આફ્તો કે ઈમરજન્સી વખતે બચાવ કામગીરી કરવા માટેની રેસ્ક્યુ ટીમો જઈ શકે તેવી વ્યવસ્થા ન હોવાને કારણે બિલ્ડીંગ સીલ કરી દેવામાં આવી હતી.

બીજી તરસ સ્ટેશન રોડ પર શહેરમાં એક માત્ર મલટીપલેકસ સિનેમેરા આવેલુ છે. આ જ ટીમે અહીં પણ તપાસ હાથ ધરી હતી. તેમાં ગંભીર ક્ષતિઓ માલૂમ પડી હતી. જેમ કે બિન ખેતીની પરવાનગી રજૂ કરી નથી. બિલ્ડીંગ યુઝની પરવાનગી રજૂ કરી નથી. સ્ટ્રક્ચર સ્ટેબિલીટીની તપાસ કરાવેલ નથી. નિયમોનુસાર બાંધકામ કરાવેલ નથી તેમજ કુદરતી આફ્તો કે ઈમરજન્સી વખતે લોકોને બહાર કાઢવાની કે રેસ્ક્યુ ટીમોને જવાની વ્યવસ્થા નથી. એન્ટ્રી એકઝીટની સુવિધા ન હોવાથી સિનેમેરાને સીલ મારી દેવાયુ છે. આ જ બિલ્ડીંગમાં રીધમ હોસ્પિટલ એસબીઆઈ સહિત ખાનગી બેન્કો, એટીએમ અને ખાનગી દુકાનો, કલીનિક અને સલૂન બુટીક વગેરે કાર્યરત છે. ત્યારે એસડીએમ બેઝમેનટમા આવેલા પાર્કિંગમા જતાં જ ચોંકી ઉઠયા હતા અને આડેધડ ખુલ્લા વાયરીંગ, ફાયર સેફ્ટીના કોઈ ઠેકાણા ન હતા અને તેની બાજુમાં જ ઓક્સિજનના સપ્લાયનુ સ્ટેશન જોતા જ તેઓના મુખ માથી ઉદગાર નીકળી ગયા હતા કે આ બિલ્ડીંગને ઉડાવવા તો આતંકવાદીની પણ જરુર નથી.સાથે એમજીવીસીએલના જુનિયર ઈજનેર પૂજા પટેલને સુચના આપી હતી કે તાત્કાલિક હોસ્પિટલ અને બેન્કો સિવાય તમામ વીજ જોડાણો કાપી નાખો અને પાલિકાના ચીફ્ ઓફ્સિરને આદેશ કર્યો કે પાર્કિંગ પણ સીલ કરી નાખો. રીધમ હોસ્પિટલના ડો.કશ્યપ વૈદ્યને પણ તાત્કાલિક ઓક્સિજન લાઈન સીફ્ટ કરવા કડક સૂચના આપી હતી.

રીધમ હૉસ્પિટલમાં નવા દર્દી દાખલ નહી કરાય

દાહોદમાં હાર્ટ એટેક આવે અથવા તો હ્રદય રોગની તકલીફ્ થાય તો એક માત્ર રીધમ હોસ્પિટલ આવેલી છે.હાલમા આ હોસ્પિટલમા નવ જેટલા દર્દી આઈસીયુમાં સારવાર હેઠળ છે તેમાંથી ત્રણ દર્દી વેન્ટિલેટર પર છે પરંતુ ઓક્સિજન લાઈન અને વાયરીંગની સ્થિતિ જોતાં ગમે ત્યારે બ્લાસ્ટ થાય તેવી સ્થિતિ છે.જેથી એસડીએમ દ્રારા હાલ નવા દર્દી દાખલ નહી કરીને એક સપ્તાહમાં ઓક્સિજન લાઈન સોફ્ટ કરવા સૂચના આપી છે. રાજ્ય બહારથી આવતા દર્દીને મુશ્કેલી ઉભી થશે.

પાલિકાના અધિકારીઓ સામે પગલાં લેવાશે?

દાહોદ શહેરમા પરવાનગી વિના, નિયમોની ઐસી તૈસી કરી હાઈરાઈઝ અને કોમર્શિયલ તેમજ ફઈવ સ્ટાર હોસ્પિટલો બાંધવામા આવેલા છે અને આજે એના બોલતા પુરાવા મળ્યા છે.ત્યારે દાહોદ નગર પાલિકાના તજજ્ઞ વહીવટી અધિકારીઓ સામે કોઈ પગલા લેવાશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે.

હાઇરાઇઝ બિલ્ડિંગનો મુદ્દો અભરાઈએ?

દાહોદ શહેરમા બનેલી કુલ પૈકી અડધો અડધ બિલ્ડીંગો બારુદના ઢગલા સમાન છે. તે હવે ઉજાગર થઈ ચુક્યુ છે ત્યારે આવી મોટી કામગીરીઓના ઓથા હેઠળ પાલિકાના અધિકારીઓ પોતે જ પોતાની પીઠ થાબડીને મહત્વનો મુદ્દો અભરાઈએ ચઢાવી દેશે તો નવાઈ પામવા જેવું નહી હોય. જો તેમ થશે અને કમનસીબે રાજકોટ વાળી થાય તો તેના જવાબદારો કોને ગણવા તે છવાબદારોએ જ નક્કી કરવુ રહ્યુ.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *