– પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
– કાર સાથે અથડાતા રિક્ષા પલટી મારી જતાં પાછળથી આવતી બાઈક કારમાં ઘુસી ગયું
સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના કટુડા ગામ પાસે એકસાથે ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
ધ્રાંગધ્રા તરફથી રિક્ષા, બાઈક અને કાર આવી રહ્યા હતા. જેમાં કટુડા ગામના પાટિયા પાસે કાર રિક્ષા સાથે અથડાતા રિક્ષા પલટી મારી જતા પાછળ આવી રહેલું બાઈક કાર પાછળ ધુસી ગયું હતું. જ્યારે સુરેન્દ્રનગર તરફથી આવી રહેલી કાર અકસ્માતગ્રસ્ત વાહનો સાથે અથડાઈ હતી. આમ વારાફરતી એક સાથે ચાર વાહનો અથડાતા અકસ્માત સર્જાયો હતો.
જેમાં બાઈક પાછળ બેસેલા યુવક નવઘણભાઈ મુંધવા તેમજ કારચાલક ભાવેશભાઈ માલવીયાને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા અને લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે ઉમટી પડયા હતા.
અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.