લોકસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે વડોદરા જિલ્લા ના ખેડૂતોની જેમ હવે ભરૂચ જિલ્લાના ખેડૂતો ધ્વારા પણ વિવિધ ગામોમાં ચુંટણી બહિષ્કારના બેનર લગાવી દીધા છે.
કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ભરૂચ અને વડોદરા જિલ્લાના ખેડૂતો કે જેઓ એ વડોદરા-મુંબઈ એક્ષપ્રેસ વે, વડોદરા-દિલ્હી એક્ષપ્રેસ વે અને રેલ્વે ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોર યોજનામાં જમીન ગુમાવી છે તેઓને યોગ્ય વળતર નહી મળવાના કારણે નારાજગી જોવા મળી રહી છે .આ ત્રણે યોજનાઓમાં જમીન ગુમાવનાર ખેડૂતોએ આરબીટ્રેશન માં કેસો દાખલ કર્યા હતા. જેમાં વડોદરા-મુંબઈ એક્ષપ્રેસ વે યોજનાની જમીન સંપાદન સંદર્ભે રાજય સરકાર ધ્વારા સુરત, વલસાડ, નવસારી ના કલેકટરોની મહેસુલ વિભાગ ધ્વારા સંયુકત મિટીંગ બોલાવી હતી. વડોદરા-મુંબઈ એક્ષપ્રેસ વે તેમજ બુલેટ ટ્રેન યોજનામાં 2011 ની જંત્રીને રીવાઈઝડ કરી સુરત, વલસાડ, નવસારી ના ખેડૂતોને પ્રતિ ચો.મી. ના રૂપિયા 700 થી 1040 સુધીનુ વળતર ચુકવવાનો હુકમ કરેલ છે .જેને ધ્યાને લઈ ભરૂચ જિલ્લાના ખેડૂતો ધ્વારા ઘણા સમયથી આંદોલન કરવામાં આવી રહેલ છે. વડોદરા જિલ્લામાં પણ ખેડૂતો ધ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને વડોદરા જિલ્લાના આ ત્રણ યોજનામાં જમીન ગુમાવનાર ખેડૂતો ધ્વારા વડોદરા, કરજણ, પાદરા અને સાવલી તાલુકા ના વિવિધ ગામે ચુંટણી બહીષ્કારના બેનરો લગાવવામાં આવ્યા છે. હાલમાં ભરૂચ જિલ્લાના માતર, દોરા, દાંડા, કારેલી, પાદરીયા, ગામોમાં ખેડૂતોને વળતરમાં થઈ રહેલ અન્યાય સામે ચૂંટણી બહિષ્કારના બેનર લગાવી દીધા છે જેમાં સ્પષ્ટ લખ્યું છે કે કોઈપણ રાજકીય પક્ષના આગેવાનોએ ગામમાં પ્રવેશ કરવો નહી. ખેડૂતોએ બેનર સાથે દેખાવો કરી સૂત્રોચાર ગજવીને વળતરના નાણાં જલ્દી આપવા માંગણી કરી હતી, તેમ એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચ ના મુખ્ય સંચાલક દ્વારા જણાવાયું છે.