સુરત
હાઈકોર્ટે ફેરસુનાવણી માટે મોકલેલા કેસના પેપર્સ લઈને
વરાછા પોલીસ કોર્ટના સમન્સ છતાં હાજર ન થતાં કોર્ટે પીઆઈને શોકોઝ ફટકારી હતી
ગુજરાત
હાઈકોર્ટે રિમાન્ડ કરેલા કેસના પેપર્સ લાવવાની કોર્ટની એકથી વધુ તાકીદ છતાં વરાછા
પોલીસે એક યા બીજા કારણોસર વિલંબ કરતાં ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ પી.બી.પટેલે
વરાછા પીઆઈને શો કોઝ પાઠવી હાજર રહેવા જણાવ્યું હતુ.જો કે કોર્ટ સમક્ષ વરાછા પીઆઈએ હું પણ ગેઝેટેડ ઓફીસર છું તમે ઉંચા
અવાજે વાત ન કરી શકો એવું કોર્ટનું ડેકોરેમ ન જળવાય તે રીતે વર્તન કરતાં કોર્ટે
કાનુની પ્રોસિડીંગ્સ હાથ ધરી એસીપી સાથે હાજર થવા નિર્દેશ આપ્યો હોવાનું જણાવ્યું
હોવાનું વિગતો સાંપડી છે.
સુરતના ચીફ
જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફેર સુનાવણી માટે મોકલેલા
કેસની કાર્યવાહી નિયત સમયમર્યાદામાં કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.જો કે હાઈકોર્ટે
રિમાન્ડ કરેલા કેસના પેપર્સ લઈને હાજર થવા માટે ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટે
વરાછા પોલીસને એકથી વધુવાર સમન્સ ઈસ્યુ કરીને તાકીદ કરી હતી.તેમ છતાં એક યા બીજા કારણોસર
વરાછા પોલીસે આ મુદ્દે વિલંબ કરવામાં આવતા ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ દ્વારા વરાછા
પીઆઈ અલ્પેશ ગાબાણીને શો કોઝ પાઠવીને ખુલાશો આપવા કોર્ટ સમક્ષ હાજર થવા જણાવ્યું હતુ.જેથી
ચીફ કોર્ટના તેડાના પગલે કોર્ટ સમક્ષ હાજર થયેલા વરાછા પીઆઈ ગાબાણીને હાઈકોર્ટના નિર્દેશ
મુજબ નિયત સમયમર્યાદામાં કેસની ફેર સુનાવણી માટે કેસ પેપર્સ લાવવામાં થતાં વિલંબ અંગે ખુલાશો પુછ્યો હતો.જે
દરમિયાન વરાછા પીઆઈ ગાબાણીએ કોર્ટ સમક્ષ પોતે પણ ગેઝેટેડ ઓફીસર હોઈ ઉંચા અવાજે વાત
ન કરી શકો તેવું જણાવીને કોર્ટના ડેકોરેમ ન જળવાય તેવું ઉંચા અવાજે
જણાવ્યું હતુ.જેથી વરાછા પીઆઈના આવા તુમાખી ભર્યા વર્તનથી ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ
પી.બી.પટેલે સમગ્ર ઘટનાની કાર્યવાહીને રેકર્ડ પર લઈને એસીપીને બોલાવવાનું જણાવીને વધુ
કાનુની પ્રોસિડીંગ્સ હાથ ધરવા નિર્દેશ આપ્યો છે.
અલબત્ત
બપોરે કોર્ટ સમક્ષ ઉંચા અવાજે વાત કરીને કોર્ટની ગરિમા ભંગ થાય તેવું વર્તન કરનાર
પીઆઈ ગાબાણી મોડી સાંજ સુધી કોર્ટ સમક્ષ હાજર રહ્યા હતા.જો કે એસીપી મોડે સાંજ સુધી કોર્ટ સમક્ષ હાજર રહી શકે તેમ ન
હોવાનું જણાવતા પીઆઈ ગાબાણીને કોર્ટે આવતી કાલે એસીપી સાથે કોર્ટ સમક્ષ હાજર થવાની
તાકીદ કરી હતી.જો કે આખો દિવસ કોર્ટ સંકુલમાં પીઆઈ ગાબાણીએ કોર્ટ સમક્ષ કરેલા
તુમાખીભર્યા વર્તન વકીલઆલમમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો.