અમદાવાદ, સોમવાર
ખોખરા વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક યુવકે તેના મિત્રના સાઢુંને ૨૦૦ રૃપિયા ઉછીના આપ્યા હતા. આ રૃપિયાની લેવડ-દેવડ બાબતે તકરારમાં છરીના આડેધડ ઘા મારીને યુવકને લોહી લુહાણ કર્યો હતો આ બનાવ અંગે રામોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
ઉઘરાણી કરવા છતાં રૃપિયા ન આપતા યુવકે તેની રીક્ષાનું ટાયર કાઢી કાઢી લીધાની અદાવતમાં હુમલો કરી ધમકી આપી કે જીવતો નહી રહેવા દઉ
આ કેસની વિગત એવી છે કે ખોખરામાં રહેતા અને રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવકે રામોલ પોલીસ સ્ટેશનમાં ઓઢવમાં રહેતા રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી યુવકે છ મહિના પહેલા તેના મિત્રના સાઢુને ૨૦૦ રૃપિયા ઉછીના આપ્યા હતા. અવાર-નવાર ઉઘરાણી કરવા છતાં રૃપિયા આપતો ન હતો જેથી ફરિયાદીએ એકવાર ઓઢવ વિસ્તારમાં આરોપીની રીક્ષાનું ટાયર કાઢી કાઢી લીધું હતું. જેને લઇને તકરાર થઈ હતી. જેની અદાવત રાખીને તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.
તા.૫ના રોજ ફરિયાદી તેના મિત્ર સાથે ચાલતા ચાલતા વન્ડર પોઇન્ટ પાસે પહોચ્યો હતો. ત્યારે અન્નું કોળી અને અજાણ્યા બે શખ્સો ત્યાં હતા. જેથી તેઓને જોઇને ફરિયાદી ભાગવા જતા ત્રણેય શખ્સોએ તેમને પકડી પાડયો હતો. આ દરમિયાન તને બહુ ચરબી ચઢી ગઇ છે કહીને ગાળો બોલીને ખભે ગળા સહિત છરીના પાંચ ઘા માર્યા હતા. બુમાબુમ થતાં આસપાસના લોકો આવી જતા ત્રણેય શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત યુવકને સારવારમા માટે એલ.જી. હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જતા જતા અમારી સાથે બબાલ કરીશ તો જીવતો નહી રહેવા દઉ. આ અંગે રામોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.