અમદાવાદ, સોમવાર
નરોડા કેનાલ પાસે કેટલાક છોકરાઓ બુમાબુમ કરતા હતા. જેથી પત્ની સાથે ચાલવા નીકળેલ યુવકે છોકરાઓને કેમ બુમો પાડો છો કહેતા સગીરે તું કેમ અમને બોલે છે કહીને ગાળો બોલીને ઝઘડો કર્યો હતો. જેથી યુવકે સગીરને લોખંડનો સળીયો હાથમાં મારી દીધો હતો. સગીરે બનાવની જાણ તેના પિતાને કરતા પિતા તેના પુત્રને લઈને યુવકને મળવા માટે ગયા હતા. જ્યાં ચાર શખ્સોએ ભેગા થઈને પિતા પુત્ર અને તેમના બે ભત્રીજાને ઢોર માર મારી ધરિયા વડે હુમલો કરી દીધો હતો. આ સમયે સગીરના પિતાએ પિસ્તોલ વડે એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું અને એક રાઉન્ડ યુવક પર ફાયરિંગ કરતા તે ખસી જતા સામાન્ય ઇજાઓ પહોચી હતી. આસપાસના લોકો ભેગા થઈને ઘાયલોને સારવાર માટે ખસેડયા હતા. આ અંગે નરોડા પોલીસે બંને પક્ષે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ક્રોસ ફરિયાદ નોંધીને તપાસ શરૃ કરી હતી. જેમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરીને તપાસ શરૃ કરી છે.
હુમલામાં પિતા-પુત્ર ભત્રીજો ઘાયલ ઃ પોલીસે બંને પક્ષે સામે ક્રોસ ફરિયાદ નોંધી ત્રણ આરોપીની ધરપકડ કરી
નરોડામાં રહેતા રઘવેન્દ્રસિંહે ફાયનાન્સ નામની ઓફીસ ધરાવીને ફાયનાન્સનો ધંધો કરે છે. ધંધાના લીધે લાયસન્સ વાળી ઓટોમેટિક પિસ્તોલ પણ વસાવી હતી. રવિવારે રાત્રે તેમનો સગીર વયનો દીકરો કેનાલ પાસે તેના મિત્રો સાથે બેઠો હતો અને તેમાં બધા છોકરાઓ બુમાબુમ કરતા હતા. આ દરમ્યાન વિશ્વજીતસિંહ તેમની પત્ની સાથે ચાલવા નીકળ્યા હતા. જેથી તેઓએ છોકરાઓને કેમ બુમો પાડો છો કહેતા સગીરે ગાળો બોલીને ઝઘડો કર્યો હતો. તેમજ યુવકે સગીરને અહિયાં કેમ બેઠો છે તેમ કહીને ગાળો બોલીને ઝઘડો કરવા લાગ્યો હતો. સગીર અને તેની સાથેના મિત્રોએ ગાળો નહી બોલાવનું કહેતા યુવકે બાજુમાં પડેલો લોખંડનો સળીયો લઈને સગીરને માર્યો હતો.
ત્યારબાદ સગીરે તેના પિતાને બનાવની જાણ કરી હતી. જેથી પિતા તેના સગીર વયના પુત્ર તથા બે ભત્રીજાને સાથે લઈને યુવકના ઘરે જતા હતા. અને રસ્તામાં આરોપી તેના પિતા સહિત ત્રણ લોકો ઉભા હતા. સગીરના પિતાએ તેમના પુત્રને કેમ માર માર્યો તેમ પૂછવા જતા ચારેય શખ્સોએ ગાળો બોલવા લાગ્યા અને ઝઘડો કરવા લાગ્યા હતા.
આ દરમિયાન ફરિયાદીએ તેમની પાસે રહેલી પિસ્તોલ વડે બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ. જેમાં યુવકને સામાન્ય ઇજાઓ પહોચી હતી. ફાયરીંગ કરતા ચારેય શખ્સોએ ફરિયાદીને માર માર્યો હતો. આ સમયે આરોપી ધારીયું લઈને આવ્યો અને સગીરના પિતાને માથામાં એક ઘા મારી દીધો હતો. તેમની સાથે આવેલા બંને ભત્રીજાઓને પણ ઢોર માર માર્યો હતો.
આસપાસના લોકો આવી જતા મામલો થાળે પાડયો હતો અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા. બનાવ સંદર્ભે પોલીસને જાણ થતા નરોડા પોલીસ, એલસીબી સ્કવોડ તથા ક્રાઈમ બ્રાંચ ઘટના સ્થળે પહોચી ગયા હતા. સમગ્ર મામલે નરોડા પોલીસે બંને પક્ષોની કુલ બે ફરિયાદો નોંધી હતી. જેમાં પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે જયારે બીજી તરફ ફાયરીંગ કરનાર સગીરના પિતા વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને વધુ તપાસ શરૃ છે.