સવારે 7થી સાંજે 6  સુધી મતદાન : બુથમાં મોબાઈલની મનાઈ   : મતદાન કરવા મતદાર કાર્ડ અથવા વિકલ્પે ડ્રાઈવીંગ લાયસન્સ,પાનકાર્ડ, આધારકાર્ડ જેવા કોઈ પૂરાવા ચાલશે  : આશરે 1 લાખ ચૂંટણીસ્ટાફ મતદાન મથકો પર પહોંચ્યો, રાત્રિ રોકાણ ત્યાં જ  કરશે : સવારે 6 વાગ્યે મોકપોલ, : બુથ આસપાસ પ્રચાર-પ્રચારકોને નો-એન્ટ્રી  

 રાજકોટ, : અંતે મહિનાથી જેની રાહ જોવાતી હતી તે દિવસ આવી ગયો છે. આવતીકાલ તા. 7-5-2024ને મંગળવાર અને ચૈત્ર વદ અમાસના દિવસે ગુજરાતની 26 અને સૌરાષ્ટ્ર કચ્છની 8 બેઠકો માટે મતદાન થશે જેમાં ભાજપ,કોંગ્રેસ અને બે બેઠકો ઉપર આમ આદમી પાર્ટી તેમજ અનેક અપક્ષો,અન્ય પક્ષોનો રાજકીય ભાવિ નક્કી થશે. સૌરાષ્ટ્ર કચ્છમાં 92 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉભા છે જેમાંથી 8 ઉમેદવારોને ચૂંટી કાઢવા 1,50,72,450 અર્થાત્ દોઢ કરોડ નાગરિકો મતાધિકાર ધરાવે છે. 

સૌરાષ્ટ્રમાં 11 જિલ્લાઓ છે જેમાં સંસદીય બેઠકો રાજકોટ, જામનગર, અમરેલી, જુનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર અને ભાવનગર એમ 7 બેઠક તથા કચ્છની એક બેઠક આવેલ છે. ગત વખતની ચૂંટણીમાં આ 8 બેઠકો પર 130  સામે આ વખતે 38 ઉમેદવારો ઓછા છે. જ્યારે ઈ. 2019ની ચૂંટણી કરતા 12.43 લાખ મતદારોનો ઉમેરો થયો છે જે મુખ્યત્વે 18- 19 વર્ષના નવયુવાનો છે. 

આ વખતે આઠ બેઠકો પૈકી માત્ર ભાવનગર બેઠક ઉપર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે અને બાકીની તમામ બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. ધારાસભા- 2022 ચૂંટણીની જેમ આ વખતે ત્રિપાંખિયો જંગ નથી ત્યારે ચૂંટણી વધુ રસપ્રદ બની રહી છે. 

મતદાન મથકો પર પ્રત્યેક બૂથ દીઠ સરેરાશ 6 કર્મચારીઓ ફાળવાયા હોય છે જેમાં રાજકોટમાં કૂલ 8842 તથા અન્ય સ્ટાફ મળી આશરે 13.000 જામનગરમાં 11.286, અમરેલીમાં 12,780 એમ દરેક બેઠક દીઠ સરેરાશ 12,000 લેખે આશરે એક લાખ કર્મચારીઓ આજે સાંજે મતદાન મથકો પર પહોંચી ગયા હતા અને ચૂંટણી કાર્યમાં લાગી ગયા હતા. બુથ પર ગયેલા કર્મચારીઓ રાત્રિ રોકાણ ત્યાં જ કરશે. પરોઢીયે વહેલા ઉઠીને આ કર્મચારીઓ સવારે 6 વાગ્યે ઉચ્ચ અધિકારીઓના સુપરવિઝનમાં મોકપોલ કરશે એટલે કે એક પ્રકારનું ટેસ્ટીંગ કરશે. ત્યારબાદ સવારે 7  વાગ્યાથી મતદાન શરૂ થશે. આજે નક્કી કરાયેલા ડિસ્પેચ અને રીસીવીંગ સેન્ટરો કે જે મોટાભાગે સરકારી સ્કૂલો હોય છે ત્યાંથી ઈ.વી.એમ., કંટ્રોલ યુનિટ વગેરેનું ડિસ્પેચીંગ શરૂ કરાયું હતું. 

મતાધિકાર ધરાવતા નાગરિકો સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે. ખાસ કરીને બપોરના સમયે અસહ્ય તાપની શક્યતા અને આગાહી છે ત્યારે આ માટે દરેક જિલ્લામાં છાંયડો, પાણી, બેસવાની વિશેષ વ્યવસ્થા કરાઈ છે અને આવી વ્યવસ્થા ન હોય તો તંત્રનું ધ્યાન દોરી શકાય છે. 

આ વખતે સંવેદનશીલ બુથોની સંખ્યા વધી છે જેના પગલે વિશેષ પોલીસ અને અર્ધલશ્કરી દળોનો બંદોબસ્ત રખાયો છે. 

આ વખતે ચૂંટણીમાં એક તરફ દેશનો વિકાસ, મોટી અર્થ વ્યવસ્થા, રામમંદિર સહિત સાંસ્કૃતિક કાર્યો, ક. 370 વગેરે છે તો બીજી તરફ ઉંચી ફી ભણીને ડીગ્રી પછી સરકારી નોકરીની તંગીથી બેરોજગારી, જીએસટી,ઈન્કમટેક્સ,ટોલટેક્સ સહિત અસહ્ય કરબોજનું ભારણ, મોંઘવારી, સરકારી સંસ્થાઓનો વિકાસ નહીં અને ખાનગીકરણ  વગેરે પ્રશ્નો છે. આ વખતે દર વખતના આ પ્રશ્નો ઉપરાંત સમાજ,જ્ઞાાતિ વિષે અનુચીત ટીપ્પણીનો મુદ્દો ખાસ કરીને ક્ષત્રિય સમાજમાં  વ્યાપક બન્યો છે. જે વચ્ચે આવતીકાલે દોઢ કરોડ મતદારો ફેંસલો આપશે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *