ઈ. 2013માં સુપ્રીમકોર્ટે ભારતીય મતદારોને આ અધિકાર આપ્યો છે : ગુજરાતમાં ગત 2019ની ચૂંટણીમાં 4 લાખ, : ગત ધારાસભાની બે ચૂંટણીમાં 5 લાખથી વધુ લોકોએ એવો મત આપ્યો કે કોઈ ઉમેદવાર યોગ્ય નથી
રાજકોટ, : આવતીકાલે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે અને મતદાન કરવા માટે ખૂબ પ્રચાર કરવામાં આવી રહ્યો છે પંરતુ, મતદારે કોઈ પણ અફવા કે બૌધિક રમતોમાં આવ્યા વગર જાતે નિર્ણય લઈને જે ઉમેદવાર-પક્ષ ગમે તેને મત આપવાનો હોય છે પરંતુ, રાજકીય પક્ષોએ બધા જ ઉમેદવાર ગમે તેવા મુકી દીધા હોય કે કોઈ પણ પક્ષ કે ઉમેદવાર મોંઘવારી,બેકારી,કરબોજ દૂર કરી શકે ,દેશનો વિકાસ કરી શકે કે લોકોની સમસ્યા હલ કરી શકે તેવા જણાતા ન હોય તો પણ મતદાર મતદાન કરી શકે છે. આ સ્થિતિમાં મતદાર ઈ.વી.એમ.માં સૌથી છેલ્લા બટન નોટાની બાજુમાં આંગળી દબાવીને મત આપી શકે છે.
નોટા એ ‘નોન ઓફ ધ એબાઉવ’ એ અંગ્રેજી વાક્યનું ટૂંકુ રૂપ છે, ગુજરાતીમાં અર્થ થાય છે મારો મત ઉપર યાદીમાં છે તેમાંથી કોઈને નહીં. અર્થાત્ આ મત તમામ ઉમેદવાર,પક્ષની વિરૂધ્ધ પડે છે. નોટાને અપાયેલો મત કોઈને મળતો નથી પરંતુ, છતાં તેને મત આપનારા લાખોની સંખ્યામાં હોય ત્યોર રાજકીય પક્ષોને સુધરવા, સારા ઉમેદવાર મુકવાનો સ્પષ્ટ મેસેજ મળી જાય છે.
સપ્ટેમ્બર- 2013 માં સુપ્રીમકોર્ટના જજમેન્ટના પગલે ભારતીય મતદારોને આ મતાધિકાર મળ્યો છે અને તેનો સૌ પ્રથમ ઉપયોગ તે વર્ષે ધારાસભાની ચૂંટણીમાં થયો હતો. ગુજરાતમાં ઈ.સ. 2014, 2019ની લોકસભા અને ઈ.સ. 2017, 2022ની ધારાસભાની ચૂટણીમાં થયો છે.
ગુજરાતમાં ગત લોકસભા ચૂંટણી 2019 માં ગુજરાતમાં 4,00932 લોકોએ નોટાને મત આપ્યો હતો. આ પહેલા ધારાસભાની 2017 અને 2022ની ચૂંટણીમાં તો પાંચ-પાંચ લાખથી વધુ લોકોએ નોટાને મત આપ્યો હતો. આમ, આ ચાર-પાંચ લાખ લોકો કોઈ ઉમેદવારને મત નહીં આપીને અને નોટાને મત આપીને એવો મત આપ્યો છે કે ભાજપ,કોંગ્રેસ સહિત તમામ પક્ષો અને તેમના ઉમેદવાર અમારા કિંમતી અને પવિત્ર મતને લાયક નથી.