Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે મતદાન થાય તે પહેલાં જ ભાજપની ઝોળીમાં બેઠક મુકી દેનારા સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સામે કોંગ્રેસી કાર્યકરોનો રોષ શાંત થતો નથી. આજે (6 મે) નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસ લીગલ સેલ અને કાર્યકર્તાઓએ સુરત પોલીસ કમિશનરને અરજી આપી છે.

નિલેશ કુંભાણી સામે કાર્યવાહી કરવા પોલીસ કમિશરનને કરાઈ અરજી

આવતીકાલે (7 મે) ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે. ત્યારે મતદાનના એક દિવસ અગાઉ લોકસભાની સુરત બેઠક માટે કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવાર નિલેશ કુંભાણી, તેના ટેકેદારો અને જિલ્લા કલેકટર સામે ફરિયાદ દાખલ કરવા અંગેની એક અરજી સુરત પોલીસ કમિશનરને કરવામાં આવી છે. કોંગ્રેસના કાર્યકર્તા અશોક સદાશિવ પીપળેએ સુરત પોલીસ કમિશનરને અરજી કરી છે. જેમાં માંગ કરાઈ છે કે, નિલેશ કુંભાણી, તેના ટેકેદારો અને કલેકટર સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવી જોઈએ. આ અંગે સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, સમગ્ર મામલે યોગ્ય તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ફોજદારી કાર્યવાહીની કોંગ્રેસ લીગલ સેલે કરી માંગ

કોંગ્રેસ લીગલ સેલ દ્વારા સુરત પોલીસ કમિશનરને અરજી આપી નિલેશ કુંભાણી સાથે તેમના ટેકેદારો સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. IPCની કલમ 463, 464, 465, 466, 467, 468, 469 અને 471, 171 G, 34, 114 અને 120 B હેઠળ ફરિયાદ કરવા માટે માંગણી કરાઈ છે.

ચૂંટણી અધિકારી સામે ગુનો દાખલ કરવા અરજી કરાઈ

કોંગ્રેસના નેતાના વકીલ ઝમીર શેખે જણાવ્યું હતું કે, ફોર્મમાં ટેકેદારોની પોતાની જ સહી હતી. ટેકેદારોએ ડે.કલેકટર પાસેથી ફોર્મની સહીના પ્રમાણપત્ર લીધા હતા. એક ડે. કલેકટર ફોર્મની ખરાઈ કરે અને કલેકટર ફોર્મ રદ્દ કરે છે. જેથી ચુંટણી અધિકારી સામે ફોજદારી ગુનો દાખલ કરવા માટે અરજી કરાઈ છે.

શું છે સમગ્ર મામલો?

સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા અને અન્ય ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવારનો બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. નિલેશ કુંભાણીના ટેકેદારોની સહી ન હોવાના એફિડેવિટ કરતા ફોર્મ રદ થયું હતું. ત્યારબાદથી નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ મામલે નિલેશ કુંભાણીએ જ ભાજપ સાથે મળીને ફોર્મ રદ કરવાનો ખેલ ખેલ્યો હોવાનો આરોપ લાગ્યો હતો. કોંગ્રેસની શિસ્ત સમિતિની બેઠકમાં વિસ્તૃત ચર્ચાના અંતે નિલેશ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. નિલેશ કુંભાણી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા માગ પણ કરાઈ હતી. ફોર્મ રદ થયા બાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી રોષે ભરાઈ છે. સુરતમાં નિલેશ કુંભાણીનો ભારે વિરોધ કરાયો હતો.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *