Accident in Vadodara : વડોદરાના અમિત નગર વિસ્તારમાં ફરી એકવાર ખાનગી વાહનોનો ધમધમાટ શરૂ થઈ ગયો હોય તેમ જણાય છે.
વડોદરા અમિતનગર થી સમા, દુમાડ થઈ અમદાવાદ સુધી ખાનગી વાહનોને કારણે વારંવાર અકસ્માતના બનાવ બનતા હોય છે. થોડા સમય પહેલા અમિત નગર થી પેસેન્જરને લઈ અમદાવાદ જતી ખાનગી કારનો અકસ્માત થતાં દસ જણના મૃત્યુ થયા હતા અને ત્યારબાદ પોલીસે સપાટી બોલાવી ગેરકાયદે પેસેન્જરની હેરાફેરી કરતા વાહનોને બંધ કરાવી દીધા હતા.
અમિત નગર થી સમા જવાના માર્ગે ફરી એક અકસ્માતનો બનાવ બનતા ખાનગી વાહનો દોડતા થયા હોવાનું મનાય છે. કારેલીબાગના શ્રીનાથ પેટ્રોલ પંપ નજીક રામદેવપીરની ચાલીમાં રહેતા કનુભાઈ વાઘેલા તા.4થી એ રાતે ચાલતા અમિત નગર તરફ આવી રહ્યા હતા ત્યારે એક ખાનગી પાસે તેમને અડફેટમાં લીધા હતા.
રસ્તા પર ફંગોળાઈ ગયેલા કનુભાઈના ડાબા પગ ઉપર બસનું વ્હીલ ફરી જતા પગનો ભાગ છુંદાઈ ગયો હતો. બનાવ બાદ બસ ચાલક ફરાર થઈ ગયો હતો જ્યારે ઇજાગ્રસ્તને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. બનાવને પગલે DCP પન્ના મોમાયાએ પોલીસ ટીમને બસ ચાલકની તપાસ કરવા આદેશ આપ્યો છે.