Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર બંધ થઈ ગયો છે. હવે ડોર ટુ ડોર મીટિંગ, ખાટલા પરિષદ અને મંગળવારે મતદાનના દિવસે બૂથ મેનેજમેન્ટ થકી જીતવા માટે મરણીયા પ્રયાસ થશે. છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ગુજરાતની બધી બેઠકો જીત્યા પછી 2022 વિધાનસભામાં 156 બેઠકોનો વિક્રમ સર કર્યા બાદ એવી ગણતરી હતી કે 2024માં ભાજપ માટે વિજય નિશ્ચિત છે અને પ્રતિસ્પર્ધી કરતા લીડ કેટલી વધારે મેળવવી એ જ લક્ષ્ય હતું, પરંતુ ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત અને પ્રચારના પ્રથમ પખવાડિયામાં તો ભાજપ માટે ચિત્ર બદલાઇ ગયું.
ભાજપના સ્ટાર પ્રચારકો
કેન્દ્રના સ્ટાર પ્રચારકો – નાણા મંત્રી નિર્મલા સીતારમણ, વિદેશ મંત્રી એસ. જયશંકર, રેલવે અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રથમ તબક્કામાં બુદ્ધિજીવીઓ, વ્યાપાર અને ઉદ્યોગ સંગઠન સાથે વાર્તાલાપ કરી ત્રીજી ટર્મમાં મોદી સરકાર કેવી કામગીરી કરશે અને છેલ્લા 10 વર્ષમાં કેટલી મહેનત કરી દેશને આર્થિક, રાજકીય અને વૈશ્વિક રીતે સુપરપાવર બનવવા પગલાં લીધા એની ચર્ચા કરી ગયા. જો કે, આ દરમિયાન ગુજરાતમાં ક્ષત્રિય સમાજના આંદોલન, જ્ઞાાતિગત રાજકરણ અને કેટલાક ઉમેદવાર પ્રત્યે સંસદીય મતવિસ્તારમાં જ સ્થાનિકોની સૂગ જોવા મળી રહી હતી. આ પછી બીજા સ્તરે ગૃહમંત્રી અમીત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ મેદાનમાં આવ્યા અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી કામગીરી, કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવી, રામ મંદિરનું નિર્માણ વગેરે ઉપલબ્ધિઓ સાથે જનસભા ગજવવી શરુ કરી. દરેક સભામાં કોંગ્રેસનો વિરોધ, I.N.D.I.A ગઠબંધનની કથિત મેલી મુરાદો અને છેલ્લે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાની ઘોર નિંદા કરવામાં આવી.
ભાજપના પ્રચારમાં સ્થાનિકના બદલે રાષ્ટ્રીય મુદ્દા વધારે ચમક્યા
ભાજપના સૌથી મોટા હીરો, સ્ટાર પ્રચારક અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસમાં છ સભામાં પણ સ્થાનિકના બદલે રાષ્ટ્રીય મુદ્દા ઉઠાવ્યા. ભારતભરની જેમ ગુજરાતમાં પણ કોંગ્રેસ અને ગાંધી પરિવારને ટાર્ગેટ કર્યા. જાહેરમાં કોઈ નેતાએ વિવાદિત નિવેદન અંગે કોઈ સમાજ કે કોઈ સમાજને ઠેસ પહોચી હોય તો તેની માફી અંગે હરફ ઉચ્ચાર્યો નથી. પ્રચારની આ વ્યૂહનીતિ દર્શાવે છે કે ભાજપ કોઈ સમાજના વિરોધથી તેમની બેઠકો ઘટે એવું માનતો નથી. બીજું સમાજને નમતું જોખી પોતે નરમ હોવાનો સંકેત પણ આપવા માંગતો નથી. આ રણનીતિ કેટલી કારગર નીવડે એ અંગે તો ચોથી જૂનના પરિણામ સુધી રાહ જોવી જ રહી. પણ અત્યારે, કોંગ્રેસ અને કેટલાક રાજકીય પંડિતો એવું માની રહ્યા છે કે ભાજપ કદાચ બધી બેઠકો જીતશે નહીં.