3 મે, ‘વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ’ દેશને મળેલી સ્વતંત્રતામાં પત્રકારત્વનો મોટો ફાળો રહ્યો  છે

ભુજ, : વિશ્વભરમાં 3મેનાં રોજ ‘વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ’ મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો હેતુ પ્રેસની સ્વતંત્રતા વિષે લોકોમાં જાગૃતિ  ફેલાવવાનો છે. આ સાથે જ આ દિવસ વિશ્વભરની સરકારને ૧૯૪૮નાં માનવ અધિકારોનાં સાર્વભૌમત્વ અનુચ્છેદ 19 હેઠળ અભિવ્યક્તિની સ્વતંત્રતાનાં અધિકારનું સન્માન કરવા અને તેને જાળવી રાખવા માટે પોતાના કર્તવ્યની યાદ અપાવે છે. યૂનેસ્કોની જનરલ એસેમ્બલીની ભલામણ બાદ ડિસેમ્બર ૧૯૯૩માં સંયુક્ત રાષ્ટ્ર  મહાસભાએ 3 જી મેના રોજ ‘વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ’ મનાવવાનું જાહેર કર્યુ હતુ ત્યારથી દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે.

 આ દિવસ અભિવ્યકિતની  સ્વતંત્રતા જાળવી રાખવા અને તેના સન્માન કરવાની પ્રતિબધ્ધતાની  વાત કરે છે. પ્રેસની આઝાદીનું મહત્વ ધરાવતો આ દિવસ જણાવે છે કે લોકશાહીનાં મૂલ્યોની સુરક્ષા અને તેને પુનર્સ્થાપિત કરવામાં મીડિયા મહત્વની ભૂમિકા નિભાવે છે. તેથી સરકારે પણ પત્રકારોની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઇએ. પ્રેસ દિવસ ઉજવવાનો પાછળનો ઈતિહાસ એવો છે કે ઈ.સ  1991માં આફ્રીકાનાપત્રકારોએ પ્રેસની આઝાદી માટે  પહેલ કરી હતી ત્યારે તે પત્રકારોએ 3 મેના રોજ પ્રેસની આઝાદીના સિધ્ધાંતોને સંબંધિત એક નિવેદન જાહેર કર્યુ હતુ, જેને ‘ડિક્લેરેશન ઓફ વિન્ડોક’ ના નામથી ઓળખવામાં આવે છે. એ વખતે પહેલીવાર 1993 માં સંયુકત્ત રાષ્ટ્ર દ્વારા આ દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. આજે આ દિવસ ઉજવવામાં આવે છે ત્યારે એ જોવું રહ્યું કે ખરેખર પ્રેસ સ્વતંત્ર  છે ખરા ? 

લોકશાહીમાં અભિવ્યકિતની સ્વતંત્રતાની સૌ કોઈ નાગરીકને છૂટ હોય છે, પરંતુ આજે આ અધિકાર મીડિયા પાસેથી છીનવાઈ ગયો હોય એવું નથી લાગતું ? ‘પત્રકારત્વ’ એ ફક્ત નામ જ નહી, પરંતુ આખો ઈતિહાસ છે. આજે આપણે આઝાદીનાં અમૃત મહોત્સવ ની ઉજવી શક્યા ત્યારે દેશને મળેલી સ્વતંત્રતામાં પત્રકારત્વનો મોટો ફાળો રહ્યો  છે તે ભૂલી શકાય તેમ નથી. ગાંધીજી હોય, ઝવેરચંદ મેઘાણી હોય, અમૃતલાલ શેઠ, કરસનદાસ મૂળજી હોય કે પછી લાલ, બાલ, પાલની ત્રિપુટી કે દેશનાં સર્વ  પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ હોય સૌ કોઈ એ પત્રકારત્વ થકી જ આઝાદીની લડતમાં ઝંપલાવ્યું હતું. સંપૂર્ણ નિષ્ઠાથી દેશને જાગૃત કરવાનું કામ પત્રકારત્વ એ જ કયુું છે, મીડિયાએ સમાજનો અરીસો છે અને અરીસો જ જો સત્ય નહીં બતાડે તો શું થાય ? દુનિયાનાં નિડર પત્રકારો કેટલીય મુશ્કેલીઓમાંથી પસાર થતા હોય છે. સાઉદી પત્રકાર જમાલ ખશોગી, ભારતીય પત્રકારો ગૌરી લંકેશ, નવીન નિશ્વચલ, સુજ્જ્ત બુખારી, ચંદન તિવારી,રાકેશ સિંહ અને ઉત્તર આર્યલેન્ડના પત્રકાર લાયરા મક્કીની હત્યાએ પ્રેસની સુરક્ષા પર સવાલ ઉભા કરી દીધા છે. અભિવ્યકિતની સ્વતંત્રતાને સંપૂર્ણપણે પ્રદર્શિત કરતો આ ‘વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ’ ખરા અર્થમાં ઉજવવો જોઈએ અને ફક્ત એક દિવસ માટે જ નહીં, પરંતુ કાયમ માટે પત્રકારો અને પત્રકાારત્વ સ્વતંત્ર રહી શકે તેવા માહોલનું નિર્માણ કરવું જોઈએ.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *