સાત માસથી રાજકોટમાં રહેતી પરિણીતાની પજવણી
ખેડા જિલ્લાના આરોપીની ધરપકડ, સગાને ત્યાં ગયો ત્યારે ભોગ બનનાર પરિણીતાનો મોબાઈલ નંબર મેળવી લીધો
રાજકોટ: રાજકોટમાં રહેતી એક પરિણીતાને છેલ્લા સાત માસથી કોલ કરી પજવણી કરતાં ખેડાના મહુધા તાલુકાના અલીણા ગામમાં રહેતા આરોપી ઇમ્તીયાઝહુસેન બિસ્મીલ્લાહ મલેક (ઉ.વ.૪૭)ને ગાંધીગ્રામ પોલીસે ઝડપી લઇ ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે.
૩૮ વર્ષની ભોગ બનાર પરિણીતાને બે સંતાનો છે. તેણે પોલીસને જણાવ્યું કે ગઇ તા. ૧૦-૧૦-૨૦૨૩ના રોજ તેના મોબાઈલમાં અજાણ્યા શખ્સે હાય-હેલ્લોનો મેસેજ કર્યો હતો. પરંતુ નંબર જાણીતો ન હોવાથી રીપ્લાય આપ્યો ન હતો. બીજા દિવસે ફરીથી તે જ નંબર ઉપરથી ટેક્સ મેસેજ આવવાનું શરૂ થયું હતું. જો કે તેણે તેનો પણ રીપ્લાય આપ્યો ન હતો. આખરે તે નંબર ધરાવતા શખ્સે કોલ કરી કહ્યું કે હું તમને ઓળખું છું, તમારા પરિવાર વિશે બધું જાણું છું, તમારી દીકરીનું નામ પણ હું જાણુ છું, તમારો ફોટો મારી પાસે છે.
જેથી તે શખ્સને તેનું નામ પૂછતા કોલ કટ કરી નાખ્યો હતો. ત્યારબાદ દરરોજ તે નંબર ઉપરથી કોલ કરવાનું જારી રાખ્યું હતું. જો કોલ રિસીવ કરે તો કેમ છો વગેરે વાતો કરતો હતો, જો કોલ કટ કરી નાખે તો સતત ટેક્સ્ટ મેસેજ કરતો હતો. જેથી તેણે કોલ કે મેસેજ કરવાની ના પાડતાં તે શખ્સે કહ્યું કે તમે મારી સાથે ફોનમાં વાત નહીં કરો તો હું દવા પી લઇશ.
આખરે તે શખ્સનો નંબર બ્લોક કરી નાખ્યો હતો. ત્યારબાદ તે શખ્સે બીજા નંબર ઉપરથી કોલ અને મેસેજ કરવાનું શરૂ કરી દીધું હતું. જેથી તેણે ફોન કે મેસેજ નહીં કરવા અન્યથા પોલીસ ફરિયાદ નોંધાવવાની ચિમકી આપી હતી છતાં તે શખ્સે કોલ અને મેસેજ કરવાનું ચાલુ રાખતા આખરે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં અરજી આપી હતી.
જેથી સાયબર ક્રાઇમ પોલીસે તપાસ કરતાં આરોપીનું નામ મળ્યું હતું. જેના આધારે ગઇકાલે ગાંધીગ્રામ પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી તેની ઘનિષ્ઠ પૂછપરછ જારી રાખી છે.
પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું કે આરોપી અગાઉ રાજકોટમાં ઓળખીતાના ઘરે આવ્યો ત્યારે ભોગ બનનાર મહિલા પણ ત્યાં આવ્યા હતા. તે વખતે આરોપીએ યેનકેન પ્રકારે તેનો મોબાઈલ નંબર મેળવી લીધા બાદ તેની પજવણી શરૂ કરી દીધી હતી.