Image Source: Freepik

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા રત્નકલાકાર યુવાને ફેસબુક પર જાહેરાત જોઈ ટુ વ્હીલર અને ફોર વ્હીલરનું લાયસન્સ કઢાવવા જતા રૂ.1500 ગુમાવ્યા હતા. ભેજાબાજે પોતે બારડોલી આરટીઓમાંથી બોલે છે કહી રૂ.1500 ઓનલાઈન ભરાવી બારડોલી આરટીઓ આવી બીજા રૂ.5 હજાર ભરશો તો લાયસન્સ નીકળી જશે તેમ કહી પૈસા મળતા જ પ્રોસેસ અટકી ગઈ છે તેમ કહી બીજા રૂ. 500 માંગી તે નહીં મળતા ગમેતેમ વાતો કરી ફોન બંધ કરી દીધો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કતારગામ માધવાનંદ આશ્રમની પાછળ ઉદયનગર સોસાયટી વિભાગ 2 ઘર નં.3 માં રહેતા 29 વર્ષીય રત્નકલાકાર સાગર જયશુખભાઈ કાનાણીને ટુ વ્હીલર અને ફોર વ્હીલરનું લાયસન્સ કઢાવવાનું હોય ગત 12 ડિસેમ્બર, 2023 ના રોજ ફેસબુક ઉપર આરટીઓ લાયસન્સ નામની આઈડી ઉપર લાયસન્સ કઢાવવાની જાહેરાત જોઈ તેમાં આપેલા નંબર ઉપર સંપર્ક કર્યો હતો.તે વ્યક્તિએ પોતે બારડોલી આરટીઓમાંથી બોલે છે અને ઓલપાડ રહે છે તેમ કહી તમારે ડ્રાઈવીંગ લાયસન્સ માટે પહેલા રૂ.1500 ઓનલાઈન ભરવા પડશે.બાદમાં બાકીની રકમ બારડોલી આરટીઓ રુબરુ આવી બીજા રૂ.5 હજાર ભરશો તો લાયસન્સ નીકળી જશે તેમ કહ્યું હતું.આથી સાગરે તે વ્યકિતએ મોકલેલા ક્યુઆર કોડ ઉપર રૂ.1500 ટ્રાન્સફર કર્યા હતા.

જોકે, સાગરે પૈસા ટ્રાન્સફર કર્યા બાદ તે વ્યક્તિએ તમારી પ્રોસેસ અટકી ગઈ છે, આગળની પ્રોસેસ કરાવવા માટે બીજા રૂ.500 ટ્રાન્સફર કરવા પડશે તેમ કહેતા સાગરે બીજા પૈસા કેમ આપવાના તેવું પૂછ્યું તો તે વ્યક્તિએ ગમેતેમ વાત કરી હતી.આથી સાગરે લાયસન્સ કઢાવવાની ના પાડી રૂ.1500 પરત માંગતા તે વ્યક્તિએ ફોન બંધ કરી દીધો હતો.આ અંગે સાગરે ગતરોજ અજાણ્યા વિરુદ્ધ ચોકબજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *