અમદાવાદ, શનિવાર
શાહીબાગ વિસ્તારમાં આવેલ હોટલમાં વસ્ત્રાલનો યુવક મિત્રો સાથે જમવા માટે આવ્યો હતો. જમ્યા બાદ બે મિત્રો ઘરે જતા રહ્યા હતા, જ્યારે તે મોડી રાતે હોટલ બહાર ખુરસી ઉપર બેઠેલો હતો. આ સમયે ત્રણ શખ્સો આવ્યા હતા અને યુવક સાથે ઝપાઝપી કરીને ૧૨ તોલાની રૃા. ૪.૮૦ લાખની કિંમતની સોનાની ચેઇન લૂંટી પલાયન થઇ ગયા હતા. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
યુવક સાથે ઝપાઝપી કરી ૧૨ તોલા સોનાના દોરો લૂંટી બાઇકર્સ ગેંગ ભાગી ગઇ પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી
વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા યુવકે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી ગઇકાલે પોતાના મિત્રો સાથે શાહીબાગ ખાતે આવેલ હોટલમાં જમવા માટે ગયા હતા. રાતે ૧૧ વાગ્યે જમીને બે મિત્રો ત્યાંથી નિકળી ગયા હતા. જ્યારે ફરિયાદી હોટલ પાસે સિક્યુરીટીની ખુરશી પર બેઠા હતા. રાતે ૧૨ વાગ્યે તે હોટલની આગળ રોડ ઉપર જઇ ઉભા હતા ત્યારે ત્રણ અજાણ્યા શખ્સો આવ્યા હતા અને તકરરા કરી હતી. આ દરમ્યાન એક શખ્સે ફરિયાદીએ પહેરેલી ૧૨ તોલાની રૃા. ૪.૮૦ લાખની ચેન તોડી લીધી હતી. ત્યારબાદ તમામ લોકો ત્યાંથી ભાગી ગયા હતા. જેથી ફરિયાદી પણ તેમની પાછળ ભાગ્યા હતા. આ સમયે બુમાબુમ થતા આસપાસના લોકો પણ આવી ગયા હતા. જો કે, ત્યાં સુધી ત્રણે શખ્સો ભાગી ગયા હતા. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે ગુનો નોંધી આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરુ કરી છે.