Dawood Ibrahim News | દેશનો મોસ્ટ વોન્ટેડ અંડર વર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અને તેના સાગરીતો સામે 41 વર્ષ પહેલા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસમા ગુજરાત પોલીસ સહિતની તપાસ એજન્સીઓની બેદરકારીના કારણે દાઉદ અને તેના સાગરીતોનો નિર્દોષ છુટકારો થયો છે.
11 જુન 1983ના રોજ વડોદરા નજીક નેશનલ હાઇ વે ઉપરહોન્ડા સિટી કારમાં દાઉદ ઇબ્રાહિમ, હાજી ઇસ્માઇલ સુબાનીયા, અલી અબ્દુલ્લા અંતુલે અને ઇબ્રાહીમ મહંમદભાઇ પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન હાજુ સુબાનીયા પાસેની રિવોલ્વરમાંથી અકસ્માતે ગોળી છુટી અને તે ગોળી દાઉદ ઇબ્રાહીમના ગળાના ભાગે વાગી હતી. જેથી દાઉદને સારવાર માટે તુરંત વડોદરામાં એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
દાઉદ તેના સાગરીતો સાથે વડોદરા નજીકથી કારમાં પસાર થઇ રહ્યો હતો ત્યારે એક સાગરીતની રિવોલ્વોરમાંથી છૂટેલી ગોળીથી દાઉદ ઘવાયો હતો
આ બાબતની જાણ થતાં જ પોલીસ એસએસજી હોસ્પિટલમાં પહોંચી હતી અને તપાસ દરમિયાન દાઉદ અને તેના સાગરીતો પાસેથી ચાઇના અને ઇટલીની બનાવટની 3 રિવોલ્વોર અને બે પિસ્તોલ મળીને પાંચ હથીયારો અને કારતુસો મળી આવ્યા હતા. આ બધા શસ્ત્રો બિન અધિકૃત હતા. તપાસ દરમિયાન એવી વિગતો પણ સપાટી પર આવી હતી કે દાઉદ ઇબ્રાહીમ સયાજીગંજ વિસ્તારમાં જગદીશ લોજમાં રૂમ ભાડેથી રાખીને રહેતો હતો. તે જે રૂમ માં રહેતો હતો તે રૂમ નં.૨૩માં દરોડા દરમિયાન ત્યાંથી પણ શસ્ત્રો મળી આવ્યા હતા.
જે બાદ દાઉદ અને તેના સાગરીતો સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો જે બાદ સયાજીગંજ પોલીસને તપાસ સોંપવામાં આવી હતી. જો કે આ કેસમાં આરોપીઓને જામીન મળી ગયા હતા અને જામીન ઉપર છુટયા બાદ એક પણ આરોપીને પકડવામાં વડોદરા પોલીસ સહિતની તમામ તપાસ એજન્સીઓ નિષ્ફળ ગઇ એટલુ જ નહી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો જેમાં કલેક્ટરની મંજૂરી લેવી જરૃરી હતી પરંતુ પોલીસે આ કેસમાં કલેક્ટરની મંજૂરી જ લીધી નહતી.
હવે આ કેસમાં પોલીસે કોર્ટમાં એવી રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે કે દાઉદ સહિતના આરોપીઓ સામેનો કેસ ૪૦ વર્ષથી પેન્ડિંગ છે અને આરોપીઓ નજીકના ભવિષ્યમા મળી આવે તેવી સંભાવના નથી એટલે હવે આ કેસ બંધ કરી દેવામાં આવ્યો છે અને તપાસ અધિકારીઓ અને એજન્સીઓની ગંભીર બેદરકારીના કારણે દેશનો મોસ્ટ વોન્ટેડ આરોપી દાઉદ ઇબ્રાહીમ અને તેના સાગરીતો નીર્દોષ સાબીત થયા છે.