ઈફ્કોની તા. 9 મેના રોજ યોજાનાર ચૂંટણીમાં ભાજપ દ્વારા રાજ્યમાં ભાજપના ત્રણ નેતાઓની ઉમેદવારીથી આંતરિક ખેંચતાણના એંધાણ : સહકારી ક્ષેત્રે મેન્ડેટ હવે શરૂ કરાયા છે
રાજકોટ, : બાર દિવસ પછી આગામી તા. 9 મેના રોજ ઈફ્કોની યોજાનાર ચૂંટણી માટે ભાજપ દ્વારા આ વખતે અમદાવાદ ગોતા વિસ્તારના બીપીન નારણભાઈ પટેલના નામનો મેન્ડેટ જારી કરાયો છે પરંતુ, આ ચૂંટણીમાં મેન્ડેટ જરૃરી ન હોય તેમ માનીને ઈફ્કોના હાલના ચેરમેન દિલિપ સંઘાણી તેમજ જામકંડોરણાના ભાજપના ધારાસભ્ય,રાજકોટ જિલ્લા બેન્કના જયેશ રાદડીયાએ પણ ફોર્મ ભરી દીધા છે ત્યારે પક્ષમાં આંતરિક ખેંચતાણના એંધાણ મળ્યા છે. આ અંગે દિલિપ સંઘાણીએ જણાવ્યું કે આ ચૂટણીમાં મેન્ડેટ હોતો નથી અને તેમણે ઉમેદવારી નોંધાવી છે. ગુજરાત માટે આ કેન્દ્રીય સંસ્થામાં બે સીટ હોય છે. તેમના ઉપરાંત જયેશ રાદડીયાએ પણ ફોર્મ ભર્યું છે. ઉપરાંત અમદાવાદથી બીપીન પટેલે પણ ઉમેદવારી નોંધાવી છે.
વધુમાં જેતપુરથી અહેવાલ મૂજબ ચાલુ ટર્મમાં પણ રાદડીયા ઈફ્કોમાં ડિરેક્ટર રહ્યા છે અને તેઓ બીનહરીફ ચૂંટાયા હતા જ્યારે દિલિપ સંઘાણી ચેરમેન પદે છે. ઈફ્કોની ગવર્નીંગ બોડીમાં એક સીટ હોય છે અને રાજકોટ જિલ્લાના 42 સહિત 176 ડેલીગેટ્સ તેના મતદારો હોય છે. ભાજપ દ્વારા છેલ્લા કેટલાક સમયથીિ સહકારી ક્ષેત્રની ચૂંટણી પણ પક્ષીય ધોરણે લડાય છે અને આ માટે મેન્ડેટ આપવાની પ્રથા થાય છે. આ સામે સ્થાનિક સહકારી અગ્રણીઓમાં કચવાટ પણ જોવા મળ્યો હતો. રાજકોટની સહકારી ક્ષેત્રમાં અગાઉ ચૂંટણી વખતે પણ મતભેદો સપાટી પર આવ્યા હતા.