અમદાવાદ, ગુરુવાર
પોલીસની નિષ્ક્રયતાના કારણે પૂર્વ વિસ્તારમાં લૂખ્ખા તત્વો દ્વારા નિર્દાષ લોકોને માર મારી તેમના ઉપર ઘાતક હુમલા કરવામાં આવી રહ્યા છે. નરોડા મેમ્કો વિસ્તારમાં શ્રમજીવી યુવક પાન ખાઇને ઘરે જતો હતો ત્યારે તેના મિત્રએ તેની પાસે રૃા. ૫૦ની માંગણી કરી હતી જો કે યુવકે ધંધાના રૃપિયા હોવાથી આપવાની ના પાડી હતી. જેને લઇને ઉશ્કેરાઇને આરોપીએ કોલર પકડીને ઉપરા છાપરી ચાકુના ઘા મારતાં યુવક લોહી લુંહાણ હાલતમાં નીચે પડયો હતો એટલું જ નહી નીચે પડયા બાદ પણ ઢોર માર મારીને ફરીથી ચાકુથી હુમલો કરતાં આંતરડું પણ કપાઇ ગયું હતું. હાલમાં યુવક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે શહેરકોટડા પોલીસે ચાર આરોપી સામે ખૂનની કોશિષ સહીતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પૈસાની મસ્તી કરવાની ના કરીશ કહેતા કોલર પકડી ચાકુના ઘા મારતાં આંતરડું કપાઇ જતા યુવક લોહી લુહાણ હાલતમાં નીચે પડયા બાદ પણ ઢોર માર માર્યો
નરોડા મેમ્કો વિસ્તારમાં રહેતા અને ફ્રૂટની લારી ધરાવી વ્યવસાય કરતા યુવકે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં નરોડા મેમ્કો પાસે રહેતા ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે તા.૨૨ના રોજ સાંજે નાસ્તો કરીને ચાલીના નાકે પાન ખાવા માટે ગયો હતો પાનના ગલ્લા વાળાને ૫૦૦ રૃપિયા આપ્યા હતા તેણે પાનના રૃપિયા કાપીને બીજા રૃપિયા પાછા આપ્યા હતા જેથી યુવક રૃપિયા ગણતો ગણતો ઘર તરફ જતો હતો
તે સમયે આરોપી મિત્રએ તેની પાસે રૃા. ૫૦ની માંગણી કરી હતી જેથી યુવકે ધંધાના રૃપિયા હોવાથી આપવની ના પાડી હતી. જેથી આરોપીઓ યુવક સાથે મસ્તી કરતા યુવકે પૈસાની મસ્તી કરવાની ના પાડતાં તેનો કોલર પકડીને ચાકુથી હુમલો કરીને પેટમાં ચાકુના ઘા માર્યા હતા. જેથી ગંભીર લોહી લુહાણ હાલતમાં યુવક નીચે પડતાં બીજા શખ્સોએ તેને ઢોર માર માર્યો હતો એટલું જ નહી નીચે પડયા બાદ પણ ચાકુના ઘા મારતાં આંતરડું પણ કપાઇ ગયું હતું. બુમાબુમ થતાં આરોપીઓ નાસી ગયા હતા, હાલમાં યુવક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટના અંગે શહેર કોટડા પોલીસે આરોપીઓ સામે હત્યાની કોશિષ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.