અમદાવાદ, બુધવાર
પૂર્વ વિસ્તારમાં સામાન્ય તકરારમાં ઘાતક હુમલાના બનાવો વધી રહ્યા છે. દાણીલીમડામાં ગઇકાલે સાંજે બે મિત્રો સાથે બેઠા હતા અને કોઇક કારણોસર તકરાર થઇ હતી અને ઉશ્કરાઇને યુવક ઉપર છરીના ઘા મારીને જીવલેણ હુમલો કર્યો હતો જેથી યુવક લોેહી લુહાણ બેભાન હાલતમાં તરફડીયા મારતો હતો અને સારવાર દરમિાયન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે હત્યાનો ગુના નોંધ્યો હતો. બીજીતરફ ક્રાઇમ બ્રાચે આરોપીને જુહાપુરાથી ઝડપી પાડયો હતો. જો કે કયા કારણોસર હત્યા કરી તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
ગળા, છાતીમાં જીવલેણ ઘા મારતા યુવક બેભાન, લોહી લુહાણ હાલતમાં તરફડીયા મારતો હતો સારવાર દરમિયાન મોત, આરોપી જુહાપુરાથી પકડાયો
દાણીલીમડા વિસ્તારમાં રહેતી મહિલાએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં દાણીલીમડા અલહબીબ એસ્ટેટ ખાતે રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે સાંજે મહિલા સાસરીમાં આવી હતી ત્યારે દાણીલીમડામાં ઘર પાસે આવેલી બિસ્મીલ્લાહ હોટલ બહાર આરોપી અને તેમના દિયર ઝુબેર અબ્દુલરશીદ કુરેશી સાથે બેઠેલા હતા.
આ સમયે બુમાબુમ થતા ઘર બહાર આવીને જોયું તો તેમની દિયરને આરોપી માર મારતો હતો. પરિવારના સભ્યો દોડીને ગયા તો આરોપી ત્યાંથી નાસી ગયો હતો. જ્યાં દિયર ઝુબેરને ગળાના ભાગે તથા છાતી અને હાથના ભાગે છરીના ઘા માર્યા હોવાથી તેઓ લોહી લુંહાણ બેભાન હાલતમાં હતા તેઓને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં લઇ જવાતા ફરજ પરના ડોક્ટરને તપાસ કરતાં તેમના દિયરને મરણ જાહેર કર્યા હતા. આ ઘટના અંગે દાણીલીમડા પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી ત્યાં આજે બપોરે ચોક્કસ બાતમી આધારે ક્રાઇમ બ્રાંચે આરોપીને જુહાપુરાથી ઝડપી લીધો હતો.