સુરતનું કુંભાણી કાંડ રાજકોટ બેઠક પર સ્હેજમાં રહી ગયું ત્રણ નેતાઓએ વિક્રમ સોરાણીનું નામ ભારપૂર્વક મુક્યું પણ ધાનાણી ચૂંટણી લડવા તૈયાર થતા મંજુર ન થયું, સોરાણી હવે ભાજપમાં ભળશે
રાજકોટ, : સુરતમાં ભાજપને ચૂંટણી લડયા વગર જ કોંગ્રેસના બેવફા ઉમેદવારને કારણે બેઠક કબજે થઈ ગઈ ત્યારે આવું જ કાંડ રાજકોટમાં કરવાનો ગુપ્ત કારસો ઘડાયાની વાત કોંગ્રેસમાંથી બહાર આવી છે. રાજકોટ કે જ્યાં ક્ષત્રિયો પૂરી તાકાત લડાવીને રૂપાલાને હરાવવા નીકળી પડયા છે ત્યાં ખુદ કોંગ્રેસી નેતાઓએ વિક્રમ સોરાણી કે જે હવે ભાજપમાં ભળવાના છે તેમનું નામ મુક્યું હતું તેવો ઘટસ્ફોટ પ્રદેશ કોંગ્રેસના નેતા ડો.વસાવડાએ આજે કર્યો છે.
તેમણે કહ્યું કે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીમાં જઈને પરત કોંગ્રેસમાં આવેલા ઈન્દ્રનીલ રાજ્યગુરૂ તથા વશરામ સાગઠીયા અને પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય લલિત કગથરાએ વિક્રમ સોરાણીને ઉમેદવાર બનાવવાની માંગણી કરી હતી અને અમે તે કોંગ્રેસના કમિટેડ નેતા નથી તેમ કહીને વિરોધ કર્યો ત્યારે અમારી સામે શિસ્તભંગના પગલા લેવાની ચીમકી પણ અપાઈ હતી. હવે તા. 27ના સોરાણી ભાજપમાં ભળી રહ્યાની વાત બહાર આવી છે ત્યારે જો તેમને રાજકોટની ટિકીટ મળી હોત તો સુરતના કુંભાણી જેવું કાંડ રાજકોટમાં થઈ ચૂક્યું હોત તેવું સ્પષ્ટ જણાય છે. શહેર કોંગ્રેસ પ્રમુખનો આ અંગે સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે સોરાણી ભાજપમાં ભળી રહ્યાના અહેવાલો આવ્યા છે.
દાયકાઓથી કોંગ્રેસમાં રહેલા નેતાઓએ સુરતના નીલેશ કુંભાણી સામે હજુ કોંગ્રેસે કોઈ પગલા નથી લીધા તે અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે અને એવી માંગણી કરી છે કે સુરતમાં આ વિશ્વાસઘાત કરનારને ટિકીટ કોંગ્રેસના જે મોટા નેતાઓએ અપાવી છે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ. આવા નેતાઓને કારણે જ કોંગ્રેસમાં આવી ઘટનાઓ વારંવાર બને છે.