ન જાને કૌન સા પલ મૌત કી અમાનત હો….
ભવાનીનગરમાં ૩૦ વર્ષીય યુવાન રાત્રે સુતા પછી સવારે ઉઠયો નહીં, ભાજપના આગેવાનને છાતીમાં દુખાવો ઉપડયા બાદ મૃત્યુ
રાજકોટ: શિયાળામાં સામાન્ય રીતે હાર્ટ એટેકના બનાવો વધતા હોય છે તેમ તબીબી સૂત્રો કહે છે પરંતુ, ભેદી કારણોસર હવે તો બળબળતા ઉનાળામાં પણ હાર્ટ એટેકનો સિલસિલો જારી રહ્યો છે. રાજકોટમાં ગત બે દિવસમાં ચાર યુવાનોના હૃદય બંધ પડી જતા મોત નીપજ્યા છે. આ કેસો માત્ર પોલીસ ચોપડે જાહેર થયા મૂજબના છે, તે સિવાયના હૃદયરોગના અનેક કેસો નોંધાતા રહે છે.
પોલીસ સૂત્રો અનુસાર આજે (૧) ભવાનીનગર શેરી નં.૪, રામનાથ પરામાં રહેતા સંજય ભરતભાઈ પરમાર (ઉ.વ.૩૦) નામના યુવાન ગઈકાલે રાત્રિના સુતા બાદ સવારે જગાડતા તે બેભા હોય સિવિલમાં લાવતા મૃત્યુ પામેલ જાહેર કરાયેલ છે. મૃતક બે ભાઈ અને એક બહેનમાં મોટો હતો અને દાણાપીઠમાં મજુરી કામ કરીને ગુજરાન ચલાવતા આ યુવાનના મોત માટે અચાનક હાર્ટ એટેકનું કારણ એ ડિવિઝન પોલીસની તપાસમાં જણાયું છે. (૨) કિરણબેન ચંદ્રેશભાઈ રાજા (ઉ.વ.૪૬ રહે.સ્વામી વિવેકાનંદ ટાઉનશીપ, જીવરાજ પાર્ક) તેમના ઘરે બેભાન થઈ જતા હોસ્પિટલે ખસેડતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. તાલુકા પોલીસની પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેક આવ્યો હતો. મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. (૩) ગઈકાલે ભાજપના આગેવાન રત્નાભાઈ દેવશીભાઈ કાલોતરા (ઉ.વ.૪૯ રહે. ભાવનગર રોડ નજીક મયુરનગર મેઈનરોડ, સીતારામ સોસાયટી) આગલી રાત્રે ઘરે છાતીમાં દુખાવો ઉપડતા સિવિલમાં લાવતા મૃત્યુ પામેલ જાહેર કરાયા હતા. ત્રણ પુત્રી અને એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે. થોરાળા પોલીસની તપાસમાં હાર્ટ એટેકની શંકા જણાવાઈ છે. (૪) શાકભાજીનો ધંધો કરતા અજય શ્યામનારાયણ ગોસ્વામી (ઉ.વ.૪૫ રહે. લાભદીપ સોસાયટી, ગાંધીગ્રામ) નામના પ્રૌઢ આગલી રાત્રે ઘરે બેભાન થઈ જતા હોસ્પિટલે ખસેડતા હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું ગાંધીગ્રામ પોલીસની તપાસમાં ખુલ્યું છે. મૃતક બે ભાઈમાં નાના ભાઈ હતા.
રાજકોટમાં ઈન્ડીયન મેડીકલ એસો. દ્વારા હાર્ટ એટેકના વધતા બનાવોને લઈને સેમીનાર પણ યોજ્યો હતો અને જીવનશૈલી કઈ રીતે રાખવી તેનું માર્ગદર્શન પણ આપ્યું હતું. ત્યારબાદ પણ હાર્ટ એટેક ઘટવાનું નામ લેતા નથી. કેટલાક એટેક એટલા સિવિયર હોય છે કે સારવાર માટે પણ સમય રહેતો નથી.