– એક સમયે યુપીએસસીની તૈયારી છોડી જીપીએસસીની પરીક્ષા દઈ નોકરી મેળવી લેવાનો વિચાર આવ્યો હતો
– માતા-પિતાએ જીવનમૂડી દિકરાને સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરાવવા પાછળ લગાવી દીધી, ગુજરાતમાં 24 માં રેન્ક સાથે યુપીએસસી પાસ કરી
ગુજરાતના ૨૫ ઉમેદવારો યુપીએસસીમાં જ્વલંત સફળતા મેળવી અને તમાંથી એક ભાવનગરના મેઘનગર વિસ્તારમાં રહેતા કેયુર મહેશભાઈ ભોજ છે જેઓએ યુપીએસસીની પરિક્ષામાં સતત બીજી વખત સફળતા મેળવી છે. કેયુર ભોજ વર્ષ ૨૦૨૨માં લેવાયેલી યુપીએસસીની પરિક્ષામાં પાસ થઈને ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસમાં અધિકારી તરીકે પસંદગી પામ્યા હતા. પિતાની ઈચ્છા દિકરો આઈએએસ અધિકારી બને તેવી હતી પરંતુ છતાં આઈએફએસ અધિકારી બન્યો તેની ખુશી હતી. પરંતુ કેયુર ભોજે પિતાનું આ સપનુ પૂર્ણ થાય તે માટે ફરી ૨૦૨૩માં યુપીએસસીની પરિક્ષા આપી અને સમગ્ર દેશમાં ૧૦૦૫મો અને ગુજરાતમાં ૨૪માં રેન્ક સાથે યુપીએસસીમાં ઉતિર્ણ થયાં. ભાવનગરના મેઘનગર વિસ્તારમાં અતિ સામાન્ય પરિવારમાં ઉછેર થયેલા કેયુર ભોજે ૧થી ૧૦ ધોરણ સુધી બીએમ કોમર્સ હાઈસ્કુલ, ૧૧-૧૨ સાયન્સ સરદારનગર ગુરૂકુળમાં અભ્યાસ કરી આઈઆઈટી મદ્રાસમાં બીટેક અને એમટેકનો અભ્યાસ કર્યો તેમની પાસે લાખોના પેકેજવાળી ખાનગી નોકરીઓની ઓફર હતી પરંતુ તેમનું અને તેમના પિતાનું આઈએએસ બનવાનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે કેયુર ભોજે વર્ષ ૨૦૧૯ના અંતમાં તૈયારી કરવાનું નક્કી કર્યું અને તેના માટે દિલ્હી ગયા પરંતુ તે પછી કોરોનાના લીધે ૫ મહિનામાં જ દિલ્હીથી પરત આવી બે વર્ષ સુધી ઘરે તૈયારી કરી હતી. કેયુર ભોજે પોતાની તૈયારીની સફર અંગે જણાવ્યું કે, મારા માતા-પિતાએ મારા ભણતર પાછળ તેમની જીવનમૂડી લગાવી દીધી હતી ખુબ સંઘર્ષ કર્યો, મારી સાથે ભણતા મિત્રો ખાનગી નોકરીમાં સારા પેકેજ સાથે નોકરી કરી દેશ અને વિદેશમાં સ્થાયી થઈ ગયા હતા અને બીજી તરફ બે વખતની નિષ્ફળતા બાદ થોડો સમય મને થયું કે યુપીએસસીની તૈયારી છોડીને જીપીએસસીની પરિક્ષા પાસ કરી ગુજરાતમાં ક્લાસ-૧ અધિકારી બની જાઉં પણ મારા મમ્મી-પપ્પાએ મને હિમ્મત આપી યુપીએસસી નહી છોડવા મનોબળ પુરું પાડયું, તેમણે આર્થિકબળની સાથે મને મનોબળ પણ આપ્યું અને તેનાથી આ શક્ય બન્યું, પહેલા આઈએએફ અધિકારી તરીકે પસંદગી થઈ પરંતું હું આઈએએસ બનું તેની પિતાની ઈચ્છા અને મારી પાસે પુરતો સમય હતો તેથી ફરી પ્રયત્ન કર્યો અને ફરીવાર સફળતા મળી.
ઘણી મુશ્કેલી જોઈ પણ બધુ પાર પડી ગયુ : મહેશભાઈ ભોજ
આ અંગે કેયુર ભોજના પિતા મહેશભાઈ ભોજે જણાવ્યું કે, પહેલેથી ઈતર વાંચનનો શોખ હતો તેથી યુપીએસસી વિશે ખ્યાલ હતો અને દિકરાને આઈએએસ બનાવવો તે નક્કી કર્યું હતું. આર્થિક પરિસ્થિતિ વધારે ખર્ચો કરી શકીએ તેવી નહોતી પરંતુ શિક્ષણ એ એક મૂડી છે અને તેના માટે ક્યાંય ખોટો ખર્ચ કર્યો નથી. આજ દિન સુધી અમારો પરિવાર બહાર હોટલમાં જમવા નથી ગયો, ઘરે એસી કે ફ્રીજ પણ નથી. સંઘર્ષ ખુબ કર્યો ઘણી મુશ્કેલી જોઈ પણ બધુ પાર પડી ગયું. ગુજરાતના દિકરા-દિકરીઓમાં સિવિલ સર્વિસ પરીક્ષાઓ અંગે જાગૃતિ જોવા મળી રહી છે તે જોઈને આનંદ થાય છે.