Image: Wikipedia
સુરત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી નું ફોર્મ રદ્દ થતાં બાદ સુરતમાં વર્ષ 2000ની સાલના પાલિકાની ચૂંટણી અને 2022ની વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન ઉમેદવારનું ફોર્મ રદ્દ થયાં હતા કે ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
સુરત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ની ઉમેદવારી પત્રક રદ થયા બાદ કોંગ્રેસ મુક્ત સુરત પાલિકા અને વિધાનસભા હતી ત્યાર બાદ લોકસભા પણ કોંગ્રેસ મુક્ત છે પરંતુ પહેલી વાર એવું બનશે કે ચુંટણી ની લડાઈમાં કોંગ્રેસના ઉમેદવાર પણ રહેશે નહીં જોકે, પહેલી વાર લોકસભામાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું છે પરંતુ કોંગ્રેસ માટે ઉમેદવારનું ફોર્મ રદ્દ થવું નવી વાત નથી.
સુરતને કોંગ્રેસ મુક્ત કરવાની શરૂઆત ભાજપે 1995માં કરી હતી 1992 માં બાબરી મસ્જિદ વિધ્વંસ થયો તેના 3 વર્ષ બાદ 1995માં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી થઈ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસના બધા ઉમેદવારો હારી ગયા હતા. ત્યારબાદ 2000ની સાલમાં ચૂંટણી આવી હતી અને ભાજપમાં આંતરિક જૂથવાદ અને લોકોમાં રોષ હોવા સાથે કોંગ્રેસ મજબુત જણાતી હતી. પરંતુ શહેર કોંગ્રેસ નબળી નેતાગારીએ ભાજપને સીધો ફાયદો અપાવી દીધો હતો. 2000ની સાલમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભારે અરાજકતા થઈ હતી અને કોંગ્રેસના ઉમેદવારના મેન્ડેટ પણ નહી પહોંચતા 99 માંથી કોંગ્રેસના 23 ઉમેદવારોના ફોર્મ રદ્દ થયાં હતા ત્યાર બાદ પણ કોંગ્રેસને 25 અને ભાજપને 59 બેઠક જ્યારે અપક્ષ અને અન્ય પક્ષોને 15 બેઠક મળી હતી.
માત્ર કોંગ્રેસ જ નહી પરંતુ સુરતમાં 2022ની વિધાનસભામાં પણ આપ ના પુર્વ વિધાનસભાના ઉમેદવાર ફસકી પડ્યાં હતા. વિધાનસભાની ચૂંટણીના ઉમેદવાર ફોર્મ પરત ખેંચવાનો ગઇકાલે અંતિમ દિવસ હતો ત્યારે પૂર્વ બેઠક પર આપના ઉમેદવાર કંચન જરીવાલાએ ફોર્મ પરત ખેંચી લીધા બાદ તેમના ડમી માં ભરાયેલા ફોર્મ ખેંચી લીધું હતું જેના કારણે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થયો અને ભાજપના ઉમેદવાર સરળતાથી જીતી ગયાં હતા.
આમ વિરોધ પક્ષના ઉમેદવાર અને નેતાઓની ફોર્મ રદ્દ થવાનો કે ઉમેદવારી પાછી ખેંચવા માટે સુરત માટે જુનો નાતો જોવા મળી રહ્યો છે અને આજે સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થતાં ભૂતકાળની ઘટના રાજકારણમાં તાજી થઈ છે.