– મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સુરત પહોંચી : કચ્છથી ઝડપાયેલા લોરેન્સ બિસ્નોઈ ગેંગના બે સાગરીતે અશ્વનીકુમાર રેલવે બ્રિજ ઉપરથી પિસ્તોલ તાપીમાં ફેંકી દીધાની કબૂલાત કરી હતી
– પોતાની ટીમ અને મરજીવાઓ લઈને આવેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરત ક્રાઈમ બ્રાન્ચ અને વરાછા પોલીસની મદદ મેળવી નદીમાં તપાસ કરી પણ મોડીસાંજ સુધી કશું હાથ લાગ્યું નહીં
સુરત, : મુંબઈના બાન્દ્રામાં ફિલ્મ સ્ટાર સલમાન ખાનના ઘર ઉપર ફાયરીંગ કરનારા લોરેન્સ બિસ્નોઈ ગેંગના બે સાગરીતોએ સુરતના અશ્વનીકુમાર રેલવે બ્રિજ ઉપરથી તાપી નદીમાં ફેંકેલી પિસ્તોલ શોધવા પોતાની ટીમ અને મરજીવાઓ લઈને આવેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી હતી.જોકે, મોડીસાંજ સુધી કશું હાથ લાગ્યું નહોતું.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મુંબઈના બાન્દ્રામાં ફિલ્મ સ્ટાર સલમાન ખાનના ઘર ઉપર ફાયરીંગ કરનારા લોરેન્સ બિસ્નોઈ ગેંગના બે સાગરીતો વિક્કી ગુપ્તા અને સાગર પાલને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે કચ્છ ખાતેથી ઝડપી લીધા બાદ પુછપરછ કરતા બંનેએ ફાયરીંગ માટે જે પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો તે મુંબઈથી કચ્છ જતી વેળા સુરતના અશ્વનીકુમાર રેલવે બ્રિજના રેલવે ટ્રેક પરથી તાપી નદીમાં ફેંકી દીધી હોવાની કબૂલાત કરી હતી.તેમની કબૂલાતના આધારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના ઈન્સ્પેકટર દયા નાયક પોતાની ટીમ અને મરજીવાઓ લઈને આજરોજ સુરત આવ્યા હતા.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરત ક્રાઈમ બ્રાન્ચ અને વરાછા પોલીસની મદદ મેળવી એક આરોપીને સાથે રાખી રેલવે બ્રિજ, તાપી નદી અને આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી હતી.મુંબઈઉ ક્રાઈમ બ્રાન્ચ નદીમાં તપાસ માટે મરજીવાઓને પણ પોતાની સાથે લાવી હતી.તેમણે તાપી નદીમાં કલાકો સુધી તપાસ કરી હતી.જોકે, મોડીસાંજ સુધીની તપાસમાં તેમને કશું હાથ લાગ્યું નહોતું.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ તપાસ લાંબી ચાલે તેવી શક્યતા છે.