– મુશ્કેટાટ પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થતાં તંત્રએ રાહતનો દમ લીધો 

– વ્હેલી સવારથી બપોર સુધી 200 થી વધુ બસ સહિતના વાહનોમાં મતદારો મતદાન કરવા ઉમટયા, બપોર બાદ મતદાન ઘટયું, ગત ચૂંટણીની સરખામણીએ 22 ટકા ઓછા મતદાન વચ્ચે આજે યોજાશે મત ગણતરી 

ગઢડા : બોટાદ જિલ્લાના ગઢડા(સ્વામીના) મુકામે વડતાલ તાબાના શ્રી ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટના વહિવટી બોર્ડની છ બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં સવારથી જ ઉત્તેજનાભર્યો માહોલ વચ્ચે ગત ચૂંટણીની સરખામણીએ ૨૨ ટકાના ઘટાડા સાથે સરેરાશ ૫૧ ટકા જેટલું મધ્યમ મતદાન નોંધાયું હતું. મુશ્કેટાટ પોલીસ બંદોબસ્તના વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં યોજાયેલી આ ચૂંટણીમાં દેવપક્ષ અને આચાર્ય પક્ષના સમર્થકોએ સામસામે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરતાં થોડા સમય માટે માહોલ ગરમાયો હતો. જો કે,  દિવસભર કોઈપણ અનિચ્છનિય બનાવ બન્યો ન હતો. આવતીકાલ સોંમવારે મતગણતરી હાથ ધરવામાં આવશે. 

ગઢડા મુકામે આવેલાં વડતાલ તાબાના શ્રી ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટ વહિવટના પાંચ વર્ષ પૂર્ણ થતા ટ્રસ્ટની સ્કીમ મુજબ નવી ટર્મ માટે અલગ-અલગ બે વિભાગની સાત બેઠકની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. જો કે, ચૂંટણી જાહેર થયા બાદ ત્યાગી વિભાગની બ્રહ્મચારી બેઠક પર દેવ પક્ષના કપિલેશ્વરાનંદજી બિનહરીફ જાહેર થયા હતા. જયારે, ત્યાગી વિભાગની સાધુ અને પાર્ષદ એમ બે બેઠક તથા ગૃહસ્થ વિભાગની ચાર બેઠક મળી કુલ છ બેઠક પર દેવપક્ષ અને આચાર્ય પક્ષ બન્નેએ ઉમેદવારી નોંધાવતાં તમામ છ બેઠક પર બન્ને પક્ષના મળી કુલ ૧૨ ઉમેદવારો વચ્ચે સીધો ચૂંટણી જંગ જાહેર થયો હતો. આજે આ તમામ છ બેઠક પર ગઢડા ખાતે સવારના ૮ કલાકથી પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન શરૂ થયું હતું. ઉલ્લેખનિય છે કે, આ ચૂંટણીને લઈને આખરી મતદાર યાદી મુજબ ગૃહસ્થ વિભાગમાં૨૫,૧૯૭, સાધુ વિભાગમાં ૧૩૨ તો, પાર્ષદ વિભાગમાં ૭૬ મતદારો નોંધાયા હતા. જે પૈકી ત્યાગી વિભાગ માટે ગોપીનાથજી દેવ મંદિર ખાતે બે મતદાન મથક તેમજ ગૃહસ્થ વિભાગ માટે ગઢડાના લક્ષ્મીવાડી ખાતે ઉભા કરવામાં આવેલા ૩૦ બૂથ પર વહેલી સવારથી જ મોટી સંખ્યામાં સુરત, અમદાવાદ, ભાવનગર વિગેરે શહેરો અને ગ્રામ્ય વિસ્તારોના મતદારોએ પહોંચીને મતદાન કર્યું હતુ. મતદારોને મતદાન મથક સુધી લાવવા માટે ૨૦૦થી વધુ બસ સહિત વાહનોની વ્યવસ્થા કરવામાં આવતા વિધાનસભાની ચૂંટણી જેવો માહોલ જોવા મળ્યો  હતો. જો કે, મતદારો દ્વારા મતદાનને લઈ સવારે જોવા મળેલો ઉત્સાહ બપોર થતાં જ ઘટવા લાગ્યો હતો. અને મતદાનનની સરેરાશ ઘટી હતી. સાંજે પાંચ કલાકે પુરી થયેલી મતદાનની પ્રક્રિયાના અંતે કુલ નોંધાયેલાં મતદારો પૈકી ૫૧ ટકા મતદારોએ એટલે કે અંદાજિત સરેરાશ ૧૨,૫૦૦થી વધુ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હોવાનું સ્થાનિક ચૂંટણી તંત્રના સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું. જો કે, મતદાન દરમિયાન આચાર્ય પક્ષે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દેવ પક્ષના ઈશારે અને તંત્રના એક તરફી વલણથી થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. ઉપરાંત કેટલાક મતદારોએ મતદારયાદીમાંથી પોતાના નામો કાઢી નાખ્યા હોવાનો રોષ વ્યક્ત કરી મતદાર યાદીમાં મોટાભાગના નામો બિન સત્સંગીઓના હોવાના નિવેદનો પણ કર્યા હતા. જ તમામ આક્ષેપોનેે દેવ પક્ષના હરીજીવનદાસજીએ  ફગાવી દિધા હતા. અને ચૂંટણી ન્યાયિક પ્રક્રિયામાં અને સત્સંગીઓને દેવ પક્ષના વહિવટમાં વિશ્વાસ અને સમર્થન હોવાનું જણાવી જીતનો દાવો કર્યો હતો. જયારે, આક્ષેપ પ્રતિઆક્ષેપ વચ્ચે પોલીસના ચૂસ્ત બ્દોબસ્ત વચ્ચે મતદાન દરમિયાન કોઈપણ અનિચ્છનિય. બનાવ નોંધાયો હતો. અને શાંતિપૂર્મ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થતાં તંત્રએ રાહતનો દમ લીધઓ હતો. સાંજે મતદાન પુરૂં થતાં જ તમામ મતપેટીઓ સીલ કરીને મંદિરના ગ્રાઉન્ડમાં સ્ટ્રોંગ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. આવતીકાલ તા.૨૨ને સોમવારે સવારથી લીમતરૂ ભવન (વ્હાઈટ) હાઉસના અંડર ગ્રાઉન્ડ ખાતે મતગણતરી યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગત ચૂંટણીમાં ૭૩ ટકા ટકા જેટલુ મતદાન થયુ હતું. જેની સામે આ ચૂટણીમાં ૨૨ ટાકના સૂચક ઘટાડો નોંધાયો હતો. 

ચૂંટણીમાં મીડિયાને દૂર રાખવામાં આવ્યું 

ગઢડા(સ્વામીના) મુકામે વડતાલ તાબાના શ્રી ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટના વહિવટી બોર્ડની છ બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં મીડિયાને દૂર રાખવા માટે બુદ્ધિપૂર્વક પ્રયાસો કરવામાં આવ્યા હતા. મીડિયાને ચૂંટઁણીથી લઈને મતદાન મથક સહિતની કામગીરી તથા વ્યવસ્થા વિગેરે વિગતો લોકો સુધી પહોચાડવા માટે તંત્ર સાથે ઘર્ષણમાં ઉતરવુ પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. જો કે, મતદાન મથકોથી મીડિયાની ખૂબ દૂર સિમિત વ્યવસ્થા ગોઠવાતા મીડિયા કર્મીઓએ ટીકા સાથે રોષ વ્યક્ત કર્યો હતો.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *