અમદાવાદ, શનિવાર
ગોમતીપુરમાં તકરારની અદાવતમાં પડોશી શખ્સ મહિલાના ઘરમાં ઘૂસીને માતા-પુત્રને માર માર્યો હતો પુત્રને છોડાવવા વચ્ચે પડેલી મહિલાને છરીના ઘા માર્યા હતા. લોહી લુહાણ થતાં મહિલાને શારદાબહેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ આરોપીએ મહિલાના ઘરમાં ઘૂસીને તોડફોડ કરી હતી અને મહિલાને ફોન કરીને ધમકી આપી હતી. આ બનાવ અંગે ગોમતીપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહિલા સારવાર માટે દાખલ કરાયા બાદ ઘરમાં જઇને ટીવી, ફ્રીજ સહિતની ઘર વખરીની તોડફોડ કરી મહિલાને ફોન કરી ધમકી આપી
ગોમતીપુરમાં રહેતી મહિલાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના પતિ અગરબત્તી વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે તેઓ કામ અર્થે બહાર ગામ ગયેલા હતા. અને તા. ૧૯ ના રોજ બપોરે મહિલા ઘરમાં ટીવી જોતા હતા દરમિયાન પાડોશી શખ્સ મહિલા ઘરમાં ઘૂસી આવ્યો હતો અને અગાઉના ઝઘડાની અદાવત રાખીને તકરાર કરવા લાગ્યો અને મહિલા તથા તેના દીકરા સાથે મારા મારી કરી હતી.
આરોપી છરી કાઢીને મહિલાના દીકરાને મારવા જતો હતા આ સમયે મહિલા તેમના પુત્રને બચાવવા વચ્ચે પડતાં આરોપીએ મહિલાના પગમાં છરીના ઘા મારીને લોહી લુહાણ કરી મૂકી હતી. મહિલાને સારવાર માટે દવાખાનામાં દાખલ કરાયા બાદ આરોપીએ ઘરમાં જઇને ટીવી ફ્રીજ સહિતની ચીજવસ્તુઓઓની તોડફોડ કરી હતી. બુમાબુમ થતા આસપાસના લોકો આવી જતા આરોપી નાસી ગયો હતો. આ બનાવ અંગે ગોમતીપુર પોલીસે આરોપી સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.