Image: Freepik
જામનગરમાં ઇન્દિરા કોલોની વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવતા ત્રણ સંતાનોના પિતા એવા રીક્ષા ચાલક યુવાને આર્થિક સંકળામણના કારણે જિંદગીથી તંગ આવી જઈ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે જે બનાવને લઈને પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ઇન્દિરા કોલોની વિસ્તારમાં રહેતા અને ભાડાની રીક્ષા ચલાવતા દિનેશ ટપુભાઈ પરમાર નામના ૪૫ વર્ષના યુવાને આજે સવારે દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘેર છતના હુકમાં ઓઢણી વડે ગળાફાંસો ખાઈ લેતાં તેનું બનાવના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતક ની પત્ની જેઠીબેન દિનેશભાઈ પરમાર એ પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝન ના એએસઆઈ ફિરોજભાઈ દલ ઘટના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાન છૂટક ભાડા ની રીક્ષા ચલાવતો હતો, અને પોતાના બે પુત્રી અને એક પુત્ર સહિતના ત્રણ સંતાનોનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે આત્મહત્યા કરી લીધી છે. જેથી તેના ત્રણ સંતાનો નોંધારા બન્યા છે, અને સમગ્ર પરિવારે હૈયાફાટ રુદન કર્યું છે.