Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીને લઈને તમામ પક્ષોના ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. ત્યારે ભરૂચ બેઠકથી આપના ઉમેદવાર ચૈતર વસાવા આજે ઉમેદવારી પત્ર ભરવાના છે. આ દરમિયાન તેમણે ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભા યોજી હતી. ત્યારેબાદ ભવ્ય રેલીનું આયોજન કર્યું છે. જેમાં ચૈતર વસાવા સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિત આપના નેતાઓ જોડાયા હતા.
આપ નેતા ચૈતર વસાવાનો હુંકાર
ભરૂચમાં રેલીને સંબોધતા ચૈતર વસાવાએ કહ્યું હતું કે, ‘મને ખોટા કેસમાં ફસાવીને જેલમાં ધકેલી દીધા. મારા પરિવારને પણ હેરાન કર્યો હતો. અમારા નેતા અરવિંદ કેજરીવાલને ખોટા કેસમાં ફસાવીને જેલમાં ધકેલી દીધા છે. આપણે આ દરેક જુલમનો બદલો મતથી લેવાનો છે.’
ચૈતર વસવાને હાઈકોર્ટે આપી રાહત
આપ નેતા ચૈતર વસવા સામે વન વિભાગના અધિકારીને માર મારવા અને ધમકીનો આરોપ હતો. આ મામલે તેમણે જેલવાસ ભોગવ્યા પછી મંગળવારે કોર્ટે શરતી જામીન આપી દીધી છે. કોર્ટે વસાવાને જામીન આપવામાં નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં કરી શકે તે મુખ્ય શરત હતી. પરંતુ ભરૂત બેઠકથી ચૂંટણી લડતા હોવાથી તેમણે હાઈકોર્ટમાં નર્મદા જિલ્લામાં પ્રવેશ કરવા માટે માગ કરી હતી.જો કે, હાઈકોર્ટે તેમને પ્રવેશ માટે છૂટ આપી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, 16મી એપ્રિલે ભાવનગર બેઠકથી આપના ઉમેદવાર ઉમેશ મકવાણાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ દરમિયાન તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર રહ્યા હતા.