૧૫૦ ફૂટ રિંગ રોડ પર નેમિનાથ સોસાયટીમાં રહેતા

જો કે ચોરી કરી ભાગેલા તસ્કરને સુરત ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો, ગાંધીગ્રામ પોલીસ દ્વારા કબજો લેવા તજવીજ

રાજકોટ: ૧૫૦ ફૂટ રિંગ રોડ નાણાવટી ચોક પાસેની નેમિનાથ સોસાયટીમાં રહેતા અને રાજકોટ સેન્ટ્રલ જેલના સિનિયર ક્લાર્ક ચંદ્રકાંતભાઈ મગનભાઈ પરમાર (ઉ.વ.૫૬)ના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂા. ૪.૯૮ લાખની મત્તા ચોરી કરી ગયા હતા. જો કે ચોરી કરી ભાગેલા તસ્કરને સુરત ક્રાઇમ બ્રાંચે મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. 

ફરિયાદમાં ચંદ્રકાંતભાઈએ જણાવ્યું છે કે બે પુત્ર, પુત્રવધૂ, પત્ની સહિતના પરિવાર સાથે ગઇ તા. ૧૨ના રોજ ઉજ્જૈન ખાતે મહાકાલેશ્વરના દર્શન કરવા ગયા હતા. તા. ૧૫ના બપોરે પરત આવીને જોયું તો અંદરનો સામાન વેરવિખેર પડયો હતો. ઉપરના માળે તપાસ કરતાં ત્યાં પણ સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. નીચેના રૂમના ત્રણ કબાટ અને ઉપરના માળે આવેલા બે રૂમના ત્રણ કબાટ ખુલ્લા હતા. 

જેમાંથી તસ્કરો સોનાનું મંગળસૂત્ર, સોનાની વીટીઓ, સોનાની બુટ્ટીઓ, ચાંદીના દાગીના, આઠ ઘડિયાળ, લેપટોપ, ડીએસએલઆર કેમેરા, રોકડા રૂા. ૫૦ હજાર વગેરેની ચોરી કરી ગયા હતાં. તસ્કરો મકાનના પાછળના દરવાજાનો નકૂચો તોડી, નવેળામાંથી રસોડામાંથી પ્રવેશ્યા હતા. ત્યારબાદ નીચેના અને ઉપરના માળે આવેલા રૂમના કબાટ તોડી ચોરી કરી ગયા હતા.

ગઇકાલે ગાંધીગ્રામ પોલીસમાં આ ફરિયાદ નોંધાયા બાદ તેના સ્ટાફને જાણવા મળ્યું હતું કે ચોર ચોરી કર્યા બાદ સુરત પહોંચ્યો હતો. જ્યાંથી તેેને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો. હવે ગાંધીગ્રામ પોલીસે તેનો કબજો મેળવવા તજવીજ શરૂ કરી છે. 

બીજા બનાવમાં રેલનગરની અમૃત રેસીડેન્સી-૩માં રહેતા અને નિવૃત જીવન વ્યતિત કરતાં ઘનશ્યામભાઈ ચતુરભાઈ કાલીયા (ઉ.વ.૬૦)ના મકાનમાંથી તસ્કરો રૂા. ૩૦ હજારની મત્તા ચોરી કરી ગયાની પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં ઘનશ્યામભાઇએ જણાવ્યું છે કે ગઇ તા. ૯ના રોજ તેના પત્ની આબુ ખાતે શિબિરમાં ગયા હતા. જ્યારે બીજા દિવસે પોતે મકાનને તાળુ મારી વાંકાનેર ખાતેના જૂના મકાને ગયા હતા. જ્યાંથી ગઇકાલે પરત આવીને જોયું તો રૂમમાં સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. ઉપરના માળે આવેલા રૂમનો સામાન પણ વેરવિખેર હતો. તપાસ કરતાં પુત્રવધૂએ સોનાનું મંગળસૂત્ર, ચાંદીની ઝાંઝરી વગેરે ગાયબ હોવાનું જણાવ્યું હતું.  જેની કિમત અંદાજે રૂા. ૩૦ હજાર છે. જે ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી.જો કે મકાનમાં તપાસ કરતાં મંગળસૂત્ર મળી આવ્યાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. જે જોતાં હાલ ઝાંઝરીની ચોરી થયાની શક્યતા પોલીસે દર્શાવી છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *