Shimron Hetmyer Creat History: કેરેબિયન પ્રીમિયર લીગ એટલે કે CPL 2024ના 7માં મુકાબલામાં સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયોટ્સ vs ગયાના એમેઝોન વોરિયર્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં શિમરોન હેટમાયરની વિસ્ફોટક ઈનિંગ્સને કારણે ગયાના એમેઝોન વોરિયર્સે સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયોટ્સને 40 રનથી હરાવી હતી. હેટમાયરે આ મેચમાં ન માત્ર 91 રનની વિસ્ફોટક ઈનિંગ રમી પરંતુ T20 ક્રિકેટમાં નવો ઈતિહાસ પણ રચી દીધો છે.
ગયાનાના કેપ્ટન ઈમરાન તાહિરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓપનર રહેમાનુલ્લા ગુરબાઝ અને કેવિન સિંકલેરે ઈનિંગની શરૂઆત કરી હતી પરંતુ 25 રનની અંદર જ કાયલ મેયર્સે સલામી જોડી તોડી નાખી હતી. ટીમને પહેલો ઝટકો ત્રીજી ઓવરના ચોથા બોલ પર કેવિન સિંકલેર (17)ના રૂપમાં લાગ્યો હતો. ત્યારબાદ મેદાન પર આવેલ શે હોપ (12) પણ સસ્તામાં આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. વીરાસામી પરમાઉલે હોપનો શિકાર કર્યો. ટીમે શરૂઆતમાં 2 વિકેટ ગુમાવી દીધા બાદ શિમરોન હેટમાયરે ગુરબાઝ સાથે મળીને લીડ લીધી અને પછી છગ્ગાનો એવો વરસાદ કર્યો કે બોલરોના પણ પરસેવા છૂટી ગયા અને ટીમનો સ્કોર 250ની આગળ પહોંચાડી દીધો. હેટમાયરે માત્ર 39 બોલમાં જ 91 રનની ધમાકેદાર ઈનિંગ રમી અને નવો રેકોર્ડ બનાવ્યો. તેણે પોતાની વિસ્ફોટક ઈનિંગ્સમાં 11 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા. આમ વેસ્ટ ઈન્ડિઝના આ ધરખમ બેટ્સમેને T20 ક્રિકેટમાં નવો ઈતિહાસ રચ્યો.
Hetmyer blasts the Warriors to a massive total. #CPL #CPL24 #SKNPvGAW #CricketPlayedLouder #BiggestPartyInSport #SkyFair pic.twitter.com/JXEePz0T1l
— CPL T20 (@CPL) September 5, 2024
હેટમાયરની વિસ્ફોટ ઈનિંગથી બન્યો નવો રેકોર્ડ
હેટમાયરે 233.33ના સ્ટ્રાઈક રેટથી 91 રનોની ધમાકેદાર ઈનિંગ રમી જેમાં તેણે 11 છગ્ગા ફટકાર્યા પરંતુ એક પણ ચોગ્ગો નહોતો ફટકાર્યો. આમ તે T20ના ઈતિહાસમાં એક પણ ચોગ્ગા વિના 10 કે તેનાથી વધુ છગ્ગા ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ પહેલા આ કરનામું કોઈ પણ બેટ્સમેને નહોતું કર્યું.
T20 મેચમાં એક પણ ચોગ્ગા વિના સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન
11- શિમરોન હેટમાયર (GAW vs SKN): 39 બોલમાં 91 રન, બેસેટેરે 2024
9- રિકી વેસલ્સ (નોટ્સ vs વોર્ક્સ): 18 બોલમાં 55 રન, વોર્સેસ્ટર 2018
8- વિલ જેક્સ (સરે vs કેન્ટ): 27 બોલમાં 64 રન, કેન્ટરબરી 2019
8- સૈયદ અઝીઝ (મલેશિયા vs સિંગાપુર): 10 બોલમાં 52 રન, બંગી 2022
8- દીપેન્દ્ર સિંહ એરી (નેપાળ vs મંગોલિયા): 20 બોલમાં 55 રન, હાંગ્ઝો 2023
8- હેનરિક ક્લાસેન (SRH vs KKR): 29 બોલમાં 63 રન, કોલકાતા 2024
IPL રેકોર્ડની કરી બરાબરી
ગયાના એમેઝોન વોરિયર્સે 266/7 રનના સ્કોરના જવાબમાં સેન્ટ કિટ્સની ટીમ 18 ઓવરમાં 266 રન પર ઓલઆઉટ થઈ ગઈ. આમ આ મેચમાં બંને ટીમો દ્વારા કુલ 42 છગ્ગા ફટકારવામાં આવ્યા જે એક T20 મેચમાં સૌથી વધુ છગ્ગાનો સંયુક્ત રેકોર્ડ છે. આ પહેલા IPL 2024માં કોલકાતા અને પંજાબ વચ્ચે રમવામાં આવેલા એક મુકાબલામાં પણ આટલા જ છગ્ગા ફટકારવામાં આવ્યા હતા.