– ઇરાનનો પરમાણુ કાર્યક્રમ
– આમ છતાં આયા તોલ્લાહ ખોમીનીએ કહ્યું વોશિંગ્ટન વિશ્વાસ કરવા જેવું તો નથી જ
તહેરીન : ઇરાનના સર્વોચ્ચ નેતાએ ઇરાનના ઝડપભેર વધી રહેલા પરમાણુ કાર્યક્રમ અંગે અમેરિકા સાથે મંત્રણા કરવામાં કોઈ વાંધો નથી તેમ કહેતા સ્પષ્ટતા કરી હતી કે, દુશ્મન સાથે પણ મંત્રણા કરવામાં વાંધો શો છે ? આ સાથે તેઓએ સુધારાવાદી પ્રમુખ મસૌદ પેઝેશ્કીયાનને ચેતવણી આપતાં તેમ પણ કહ્યું હતું કે વોશિંગ્ટનનો વિશ્વાસ કરવા જેવો નથી.
ઉલ્લેખનીય છે કે, ઇરાને ૨૦૧૫માં વિશ્વની મહાસત્તાઓ સાથે કરેલી સંધિ પ્રમાણે ઇરાને તેના પરમાણુ કાર્યક્રમ પર લગામ રાખવા કબુલ્યું હતું. તે પછી તેની ઉપર લાદવામાં આવેલા કેટલાક આર્થિક પ્રતિબંધો હળવા કરાયા હતા.
પરંતુ હવે પરિસ્થિતિ પલટાઈ ગઈ છે. ઇઝરાયલ- હમાસ યુદ્ધ અને ઇઝરાયલ હિઝબુલ્લાહ યુદ્ધને લીધે મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે.
આ સંબંધે ખોમીનીની સત્તાવાર વેબસાઇટમાં જણાવવામાં આવ્યું છે કે, તેમાં (મંત્રણામાં) કોઈ વાંધો નથી પરંતુ તેમાં આશા પણ રાખવાની જરૂર નથી.
ઇરાનનાં રાજકારણમાં જેઓનો અવાજ આખરી ગણાય છે. તેવા ઇરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતાએ પ્રમુખ પેઝેસ્કીયાનની કેબિનેટને ચેતવણી આપતાં કહ્યું હતું. મંત્રણા જરૂર કરવી પરંતુ દુશ્મનનો વિશ્વાસ ન કરશો.
ઇરાન-અમેરિકા વચ્ચેની મંત્રણા માટે ૮૫ વર્ષના ખોમીની ઘણીવાર તૈયાર થયા હતા અને ઘણીવાર મંત્રણા તોડાવી પણ નાખી હતી. આથી છેવટે ૨૦૧૮માં તે સમયના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા ને મંત્રણામાંથી હઠાવી લીધું હતું. તાજેતરમાં અમેરિકા વતી ઓમાન અને કતાર મંત્રણા કરાવવા પ્રયત્નો કરે છે. કતારના વડાપ્રધાન ખોમેનીને મળ્યા પણ હતા. પરંતુ તેના બીજા જ દિવસે ખોમીનીએ આ પ્રમાણે કહેતા હવે ઇરાન-અમેરિકા મંત્રણા અંગે પ્રશ્નાર્થ ચિન્હ મુકાઈ ગયું છે.
ભીતિ એવી સેવાઈ રહી છે કે ઇરાન એ-બોંબ બનાવવા આગળ વધી રહ્યું છે.