અમદાવાદ,રવિવાર
રામોલમાં રહેતી મહિલાનો પતિ પોતાની સાળાની પત્ની સાથે પ્રેમસંબંધ ધરાવતો હતો જેથી મહિલાએ તેના ભાઈને કોલ કરીને તેની પત્નીના ચારિત્ય અંગેની વાત કરી હતી. જેને લઇને ભત્રીજો ફોઈના ઘરે આવ્યો અને તમે મારા પિતાને કેમ ફોેન કર્યો હતો તેમ કહીને ફોઈ સાથે તકરાર કરવા લાગ્યો હતો. ઉશ્કેરાઇને ભત્રીજાએ ફોઇને ચાકુના ઘા મારીને નાસી ગયો હતો. આ બનાવ અંગે રામોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભત્રજાએ ફોઇને કહ્યું કેમ મારા પિતાને ફોન કરો છો, તારી મમ્મી મારા પતિ સાથે કેમ વાતો કરે છે તું તારી મમ્મીને સમજાવ કહેતાની સાથે ફોઇ ઉપર ચાકુથી હુમલો
રામોલમાં રહેતી ૩૬ વર્ષની મહિલાએ રામોલ પોલીસ સ્ટેશનમાં પોતાના ભાઇના પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના સગાભાઈની પત્ની અને મહિલાના પતિ વચ્ચે પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. જેથી મહિલા અને તેના ભાઈના ઘરમાં આ મુદ્દે તકરાર થતી હતી. મહિલાએ તેના ભાઈને ફોન કરીને પ્રેમ પ્રકરણની હકીકત જણાવી હતી જેના કારણે મહિલાના ભાઈના ઘરમાં તકરાર શરુ થઇ હતી તા. ૧૮ ઓગસ્ટે મહિલાનો પતિ બહાર ગામ ગયો હતો. બીજીતરફ મહિલાએ અગાઉ સમજાવ્યા હતા.
એટલું જ નહી શનિવારે સવારે ભાઇનો પુત્ર મહિલાનો ભત્રીજો ફોઈના ઘરે આવ્યો અને મારા પિતાને કેમ ફોન કરો છો કહીને તકરાર કરવા લાગ્યો હતો. જેથી ફોઈ તેના ભત્રીજાને સમજાવવા જતા ભત્રીજાએ તેની પાસે રહેલ ચાકુ ફોઈને મારતા હાથમાં ચાકુનો ઘા વાગી જતા મહિલા લોહી લુહાણ થઇ ગઇ હતી બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. જ્યારે આરોપી ભત્રીજો ત્યાંથી નાસી ગયો હતો. ત્યારબાદ પાડોશીઓ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.