નાની લછેલી ગામમાં કોલેરાના શંકાસ્પદ કેસ
ગઇકાલે 10 બાળકોને તાવ અને ઝાડા ઉલટીની અસર
સારવાર મળે તે પહેલા જ બાળકીનું થયું મોત
દાહોદમાં શંકાસ્પદ કોલેરાથી બાળકીના મોતની આશંકા સેવાઈ રહી છે,બાળકીને કોલેરાની સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી છે,તો ગઈકાલે 10 બાળકોને તાવ અને ઝાડા ઉલટીની અસર થઈ છે જેના કારણે તેમને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આરોગ્યવિભાગ હરકતમાં આવ્યું
શંકાસ્પદ કોલેરા અને રોગચાળાને લઈ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને દર્દીઓની હિસ્ટ્રી સહિતનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે,ઘરે ઘરે જઈને આરોગ્ય વિભાગ દ્રારા સર્વે શરૂ કરાયો છે સાથે સાથે નાના બાળકોનુ સ્વાસ્થ્ય પણ તપાસવામાં આવી રહ્યું છે.દાહોદના નાની લછેલી ગામમાં શંકાસ્પદ કોલેરાના કેસ સામે આવ્યા છે.ગામમા વધતા રોગચાળાને લઈ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
લોકોના રીપોર્ટ કરાવ્યા
આરોગ્ય વિભાગ દ્રારા ગામમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે સાથે સાથે જે લોકોને પાંચ દિવસ કરતા વધારે સમયથી તાવ આવે છે તેવા લોકોના રીપોર્ટ પણ કઢાવવામાં આવી રહ્યાં છે,આરોગ્ય વિભાગને એ પણ શંકા છે કે ગામમાં પીવાના પાણીની લાઈનમાં ગટરનું પાણી ભળી જતા આ રીતે એકસાથે ઝાડા ઉલટીના કેસો વધી શકે છે,તેને લઈને પણ ગ્રામપંચાયતમાં જાણ કરવામાં આવી છે.
ઉકાળેલુ પાણી પીવુ જોઈએ
વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.
મચ્છરનું ઉત્પાદન વધ્યું
વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્૫તિ વધી જાય છે.