Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાતમાં રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા પોતાના વિવાદિત નિવેદનને લઈને ચર્ચામાં છે. રૂપાલાએ પોતાના નિવેદનને લઈને બે વખત માફી માગી છે છતાં પણ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. હવે આ વિવાદને શાંત પાડવા માટે સાધુ સંતો મેદાને આવ્યા છે.
કોઈ પણ સમાજ વિશે ટિપ્પણી ન કરવી જોઈએ: દિલીપદાસજી
રૂપાલાના વિવાદ અંગે અમદાવાદ જગન્નાથ મંદિરના મંહત દિલીપદાસજીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, નેતાઓએ કોઈ પણ સમાજ વિશે ટિપ્પણી ન કરવી જોઈએ. આ વિવાદ મામલે બંને પક્ષોએ બેસીને નિરાકરણ લાવવુ જોઈએ.’
અવિચલસાદ મહારાજની બંને પક્ષોને અપીલ
સંત સમિતિનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલસાદ મહારાજે રૂપાવા વિવાવ મામલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જે બોલાયું છે તેને અમે પણ સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ. પણ હવે એ વિષયને મુદો બનાવીને જો આપણે ચાલીશું. ભારતનાં ઈતિહાસને આપણી ભાવિ પેઢીમાં સ્થાપિત કરવાનો. એમાં ક્યાંક આપણને અડચણ પડશે. એટલે બંને પક્ષોને અમારી સંત સમિતિનાં સભ્ય અપીલ કરે છે કે,આપ ભેગા બેસો રસ્તો શોધો.’
વિશ્વ હિન્દુ પરિષદે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું
પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મામલે હવે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) આગળ આવી છે. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. VHPએ સુખદ સમાધાનની અપીલ કરી છે. સંગઠન દ્વારા એક પ્રેસનોટ જાહેર કરાઈ છે. તો બીજી તરફ સંતો સાથે વાતચીત બાદ વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી અશોક રાવલે પણ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, બંને તરફે સુખદ સમાધાન થાય તે જરૂરી છે. હાલની સામાજિક સ્થિતિ અંગે સાધુ-સંતો ચિંતાતુર છે. બંને પક્ષે મોટું મન રાખીને વિવાદનો સુખદ અંત આવે તેવો આગ્રહ છે. રાષ્ટ્રહિત અને હિંદુહિતનો વિચાર કરીને સુખદ સમાધાન થાય.
ઉલ્લેખનીય છે કે રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડનારા પરશોત્તમ રૂપાલાનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં એક કાર્યક્રમમાં રજવાડાઓ અંગે બોલતા સમયે તેમની જીભ લપસી હતી. જેમાં તેમણે ક્ષત્રિય સમાજ અંગે બફાટ કર્યો હતો. પરશોત્તમ રૂપાલાના એક નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.