Vadodara Corporation News : લાલબાગ બ્રિજથી વિશ્વામિત્રી બ્રિજ સુધીના ગેરકાયદે દબાણો કોર્પોરેશન દ્વારા હટાવવામાં આવ્યા હતા. જ્યારે લાલબાગ બ્રિજ નીચે ફૂલનું વેચાણ કરતા હંગામી લારી, ગલ્લા, પથારાવાળાઓને ખદેડવા આજે પાલિકાની દબાણ શાખાની ટીમ પહોંચી હતી. જ્યાં અહીંથી તેઓનો ફૂલ સહિતનો સામાન જપ્ત કરતી વેળાએ બોલાચાલીથી ગરમાવો આવ્યો હતો. જે બાદ અહીં ફુલ વેચવા બેસતા લોકોએ આક્ષેપ કર્યો હતો કે, અમે અહીં વર્ષોથી ધંધો કરીએ છીએ અને રોજ સાંજે 200 કમાવીએ છીએ. તેમાંથી દર મહિને કોર્પોરેશનને રૂપિયા 500 અને કચરા ભરવાવાળાને અલગથી પૈસા આપીએ છીએ. તેમ છતાં વારંવાર દબાણ શાખાની ટીમ અહીં આવીને અમને હેરાન કરી રહી છે. ઘણી વખત સામાન જપ્ત કરવાની કાર્યવાહીનો આદેશ ઉપરથી આવ્યો છે તેમ જણાવી અમારો સામાન, ફૂલો, ગલ્લા લઈ લેવાય છે. અમે જીવન નિર્વાહ માટે ભરેલા પાણીના કારબા પણ દબાણ શાખાની ટીમના કેટલાક કર્મચારીઓ દ્વારા ફેંકી દેવામાં આવે છે. આજે તો તેઓએ હદ કરી દીધી અને અહીં ફૂલનો વેપાર છૂટક વેપાર કરતી કેટલીક મહિલા અને અન્ય લોકોને માર પણ માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.