Lok Sabha Elections 2024: કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીને લઈને વિવાદ વધુને વધુ ઘેરો બન્યો છે. રૂપાલાએ માફી માગી હોવા છતા આ મામલો થાળે પડ્યો નથી. હવે રૂપાલા સામે ક્ષત્રિય સમાજની મહિલા આગેવાનોએ મોરચો માંડ્યો છે. રાજકોટ બેઠક પરથી 100 ક્ષત્રિય સમાજની મહિલાઓ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી હતી. ત્યારે આજથી ઉમેદવારી ફોર્મ ઉપાડવાનું અને ભરવાનું શરૂ થયું છે.
100થી વધુ ઉમેદવારી ફોર્મ ઉપાડ્યા
રાજકોટ લોકસભાની બેઠક માટે જિલ્લા કલેકટર કચેરીએ ઉમેદવારી પત્રો ઉપાડવા માટે ધસારો થયો હતો. જેમાં આજે પહેલા દિવસે બપોર સુધીમાં 100થી વધુ ઉમેદવારી ફોર્મ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીમાંથી ઉમેદવારો અને તેના પ્રતિનિધિઓએ પાડ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના મહિલા અગ્રણીઓ અને ક્ષત્રિય સમાજનાં મહિલા આગેવાન નયનાબા જાડેજાએ જણાવ્યું હતું કે,’ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં 100 ફોર્મ ઉપાડવામાં આવશે.’
ઉલ્લેખનીય છે કે, જો હવે ક્ષત્રિય સમાજ રાજકોટ લોકસભા બેઠક ઉપર સામૂહિક રીતે ફોર્મ ભરે તો ઈવીએમમાં ઉમેદવારોનાં નામ પણ સમાવી શકાય નહી આથી તંત્રને ના છુટકે બેલેટ પેપર છપાવવા પડે, અને બેલેટથી મતદાન કરાવવાની ફરજ પડી શકે છે.