Why 4 in 10 Mothers stop Breastfeeding: માતાનું દૂધ શિશુ માટે અમૃત સમાન હોય છે. જેથી સ્તનપાન કરાવવું એ સહજ અને સામાન્ય લાગતી બાબત છે. પરંતુ આજે પણ જરૂરી માહિતી અને માર્ગદર્શનના અભાવે નવજાત શિશુને યોગ્ય રીતે તથા પૂરતા પ્રમાણમાં સ્તનપાન કરાવાતું નથી. જેની બાળકોના સ્વાસ્થ્ય અને વિકાસ પર ગંભીર અસર પડે છે. માતા તેમજ પરિવારોમાં સ્તનપાન વિશે જાગૃતિ લાવવા દર વર્ષે વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવવામાં આવે છે. પરંતુ આવી ઉજવણીઓ છતાં માતાના દૂધથી વંચિત રહી જતા બાળકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા મુજબ જન્મના પ્રથમ કલાકમાં શિશુને સ્તનપાન કરાવવું અત્યંત જરૂરી હોય છે.
પ્રથમ કલાકથી લઈને છ માસ સુધી બાળક માટે માતાનું દૂધ હિતાવહ
પરંતુ વર્ષ 2015-16 દરમિયાન કરાયેલા એનએફએચએસ-4 એટલે કે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ ગુજરાતમાં 50 ટકા બાળકોને જ જન્મના પ્રથમ કલાકમાં માતાનું ધાવણ મળે છે. નોંધનીય છે કે, વર્ષ 2019-21માં કરાયેલા એનએફએચએસ-5માં આ પ્રમાણ ઘટીને 38 ટકા થઈ ગયું હતું. પ્રથમ કલાકથી લઈને છ માસ સુધી બાળકને માત્ર માતાનું દૂધ આપવું હિતાવહ છે. પરંતુ આ સર્વે મુજબ માત્ર 65 ટકા બાળકોને જ છ મહિના સુધી માત્ર માતાનું દૂધ અપાય છે.
35 ટકા શિશુને છ મહિના પહેલાં જ સ્તનપાન ઓછું કરી દેવામાં આવે છે
એટલે 35 ટકા શિશુને છ મહિના પહેલાં જ સ્તનપાન ઓછું કરી બહારનું દૂધ આપવાનું શરૂ કરી દેવાય છે. એટલે કે રાજ્યમાં દર દસમાંથી ત્રણથી ચાર બાળકોને વિવિધ ગેરમાન્યતાઓના લીધે પૂરતા પ્રમાણમાં સ્તનપાન કરાવાતું નથી. ગ્રામ્ય વિસ્તારના પરિવારોને પાવડર્ડ મિલ્કની ઓછી જાણ હોવાથી તેઓ સ્તનપાન પર આધાર રાખે છે. જ્યારે શહેરી વિસ્તારમાં વધુ વિકલ્પો ઉપલબ્ધ હોવાથી આજના સમયમાં માતાના દૂધ કરતા બહારના ફોર્મ્યુલા દૂધ પર લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે. જેથી સ્તનપાન બાબતે ગર્ભાવસ્થાથી જ માતા સાથે પરિવારને પણ આ અંગે જાગૃત કરવાની તાતી જરૂર હોવાનું એલજી હોસ્પિટલના ડો. હલક વસાવડાએ જણાવ્યું હતું.
માતા બીમાર હોય ત્યારે ઈન્ફેક્શન લાગી જવાના ડરથી સ્તનપાન બંધ કરી દેવાતું
ડો. અર્ચના શાહ (પ્રાધ્યાપકઅનેવડા, પીડિયાટ્રિક્સવિભાગ, એલજી હોસ્પિટલ) જણાવે છે કે માતાને શરદી, તાવ જેવી નાની-મોટી બીમારી થાય ત્યારે ધાવણથી બાળકને ઈન્ફેક્શન લાગશે તેવા ડરથી કેટલીક વખત સ્તનપાન બંધ કરી દેવાય છે. ચાર- પાંચ દિવસ સુધી ધાવણ બંધ કર્યા બાદ ફરી શરૂ કરવામાં બાળકને મુશ્કેલી પડે છે અને સ્તનપાનનું સ્તર ઘટતું જાય છે. ઉલ્લેખનીય છે કે, અમુક ગંભીર બીમારીને બાદ કરતા બીજા સંજોગોમાં સ્તનપાન કરાવી શકાય છે અને તબીબની સલાહ વગર બંધ કરવું જોઈએ નહીં. છ માસ બાદ ઉપરના ખોરાક સાથે પણ લઘુતમ બે વર્ષ સુધી સ્તનપાન કરાવાય તો બાળક અને માતા બન્નેને ભવિષ્યમાં થતી ગંભીર બીમારીઓથી બચાવી શકાય છે.
માતાનું દૂધ ઓછું પડે છે તેમ વિચારી પણ ઘણી વખત શરૂ કરાતું પાવડરનું દૂધ
ડો. જોલી વૈષ્ણવ (પ્રાધ્યાપક અને વડા, પીડિયાટ્રિક્સ વિભાગ, સિવિલ હોસ્પિટલ) જણાવે છે કે માતાના પ્રથમ દૂધને કોલસ્ટ્રમ કહેવાય છે. પ્રસૂતિ બાદ 24 થી 48 કલાકમાં માત્ર 50 થી 60 એમએલ માતાનું દૂધ બને છે. એટલે દર બે-ત્રણ કલાકે સ્તાનપાન થકી પાંચથી દસ એએમલ દૂધ બાળકને મળે છે. જે નવજાત માટે પર્યાપ્ત છે. શરૂઆતના પાંચ-સાત દિવસમાં બાળક અને માતાને સ્તનપાન સાથે ટેવાતા મુશ્કેલી પડે છે.
આવા સમયે માતા અને પરિવારમાં એવી ગેરમાન્યતા ઉભી થાય છે કે બાળકને માતાનું દૂધ ઓછું પડે છે, તથા ભૂખ લાગી હોવાથી શિશુ રડ્યા કરે છે. આવા સમયે કેટલાક પરિવારો બાળકોને પાણી તેમજ પાવડર આપવાનું શરૂ કરી દે છે. જેના લીધે બાળકની હોજરી પહોળી થઈ શકે છે. ઉપરાંત શિશુને ઉપરનું દૂધ સીધું પીવા માટે મળી જતા બાદમાં તેને માતાનું ધાવણ લેવામાં તકલીફ થાય છે, અને ધીમે-ધીમે સ્તનપાન ઓછું થતું જાય છે.
પૂરતા સ્તનપાનના અભાવે કોને શું અસર થઈ શકે છે?
બાળક પર થતી અસર
ડાએરિયા, મેદસ્વિતા, કુપોષણ, ન્યુમોનિયા, ઈન્ફેક્શન, મગજના વિકાસ પર અસર
જયારે માતા પર થતી અસર
સ્તન કેન્સર, ગર્ભાશયનું કેન્સર