હમાસ સામે જીતવા રફાહ પર વિજય જરૂરી: નેતન્યાહુ
ઈઝરાયેલે નવેમ્બરમાં ગાઝા સ્ટ્રીપમાં એરસ્ટ્રાઈક કરી હાનિયાના પારિવારિક ઘરનો નાશ કર્યો હતો
કૈરો: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે શરૂ થયેલા યુદ્ધને છ મહિનાથી વધુનો સમય થઈ ગયો છે. ઈઝરાયેલે ગાઝા પર સતત હુમલા ચાલુ રાખ્યા છે. આવા સમયે બુધવારે ઈઝરાયેલની એરસ્ટ્રાઈકમાં હમાસના ટોચના લીડર ઈસ્માઈલ હાનિયાના ત્રણ પુત્રો અને બે પૌત્રનાં મોત નીપજ્યાં છે.
હમાસના નેતા ઈસ્માઇલ હાનિયાએ બુધવારે અલ-ઝઝીરા સેટેલાઈટને જણાવ્યું હતું કે, તેમના પુત્રો હઝેમ, અમીર અને મોહમ્મદ તથા બે પૌત્ર એક કારમાં જતા હતા ત્યારે ઈઝરાયેલે ગાઝાના અલ-શતિ કેમ્પ પર હવાઈ હુમલો કર્યો હતો. તેમના પુત્ર જેરુસલેમ અને અલ-અક્સા મસ્જિદને આઝાદ કરાવવાના માર્ગમાં માર્યા ગયા છે. દુશ્મન બદલા અને કત્લેઆમની ભાવના સાથે આગળ વધી રહ્યા છે તથા તે કોઈ માપદંડ અથવા કાયદાને મહત્વ આપતો નથી. ઈસ્લાઈલ હાનિયા કતારમાં રહે છે, જ્યાં અલ-ઝઝીરાનું મુખ્યાલય છે. ઈઝરાયેલે નવેમ્બરમાં ગાઝા સ્ટ્રીપમાં એરસ્ટ્રાઈક કરી હાનિયાના પારિવારિક ઘરનો નાશ કર્યો હતો.હાનિયાએ કહ્યું કે મારા પુત્રોને નિશાન બનાવવાથી હમાસ પર નરમ વલણ માટે દબાણ કરી શકાશે તો તમે ખોટા છો. ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ દક્ષિણી ગાઝાના રફાહ શહેરમાં હુમલા વધારવાનો સંકલ્પ કર્યો છે. નેતન્યાહુએ વારંવાર કહ્યું છે કે ઈઝારેયલે ગાઝામાં હમાસના અંતિમ ગઢ રફાહમાં આર્મી મોકલવી જોઈએ.