Lok Sabha Elections 2024: રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદનને કારણે શરૂ થયેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ યથાવત. આ દરમિયના રૂપાલાની ટિકિટ પરત ખેંચવાની માગ સાથે જામનગર જિલ્લા ભાજપના મહામંત્રી પ્રવીણસિંહ જાડેજાએ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાને પત્ર લખ્યો છે. જેમાં તેમણે રૂપાલાને સ્વૈચ્છિક રીતે ઉમેદવારી પાછી ખેંચવા રજૂઆત કરી છે.

ક્ષત્રિય સમાજની અસ્મિતા પર પ્રહાર 

પ્રવીણસિંહ જાડેજાએ પત્રમાં લખ્યું કે,’એક કાર્યક્રમ દરમિયાન તમે (પરશોત્તમ રૂપાલા) રાજા રજવાડા અને ક્ષત્રિય સમાજની  અસ્મિતા પર પ્રહાર સમાન નિવેદનના કારણે રાજ્યમાં ઉભી થયેલ ગંભીર પરિસ્થિતિથી તમે જાણે છો. તમે સિનિયર, અનુભવી અને પ્રભાવી આગેવાન છો, પરંતુ આ નિવેદન મારી દ્રષ્ટિએ પક્ષના શિસ્ત ભંગનું ઉત્તમ ઉદાહરણ છે. કારણ કે, પક્ષ માટે નુકસાનકારક કોઈ વાત કે નિવેદન કરવું એ પક્ષની શિસ્તબદ્ધતા અને અનુશાસનનો ભંગ કાર્ય સમાન હોય છે. તમે સ્વૈચ્છિક રીતે ઉમેદવારી જતી કરીને સમગ્ર ભારતના ક્ષત્રિય સમાજની ગરિમાનું સન્માન કરશો અને ચૂંટણીમાં પાર્ટીને થનારા નુકસાનીને અટકાવશો તેવી અપેક્ષા રાખું છું.’

ગાંધીનગરમાં ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓની બેઠક 

ઉલ્લેખનીય છે કે, ક્ષત્રિય સમાજમાં રોષને શાંત કરવા માટે આજે ગાંધીનગરમાં નવ જેટલા ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓની બેઠક મળી હતી. જેમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, બલવંતસિંહ રાજપૂત, કેસરીદેવસિંહ ઝાલા તેમજ મહેન્દ્રસિંહ સરવૈયા, આઈ.કે.જાડેજા પણ હાજર રહ્યા હતા. આ બેઠક સાડા ચાર કલાક સુધી ચાલી હતી. તો હવે આ બેઠકમાં થયેલી ચર્ચાની માહિતી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને આપવામાં આવશે.  બીજી તરફ, રૂપાલા આજે સુરતમાં પાટીદાર સમાજના સ્નેહમિલનમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે. જ્યાં મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો અને સમાજના લોકો હાજર રહેશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *