અમદાવાદ, ગુરુવાર
રામોલ પોલીસ પોલીસે વોન્ટેડ ચાર આરોપીઓને પોલીસ સ્ટેશન લાવીને પાસાની અટકાયતી હુકમની બજવણી કરતા હતા તે સમયે આરોપીના સગા સંબંધીઓએ આવીને બજવણી નહી કરવા અને આરોપીઓને ભગાડીને લઇ જવા પ્રયાસ કર્યો હતો. પોલીસ કર્મીઓ સાથે ઝપાઝપી કરીને કેરોસીન છાંટીને આત્મ વિલોપનની ધમકી આપી હતી. આ અંગે રામોલ પોલીસે પાંચ જેટલી મહિલાઓ સહિત કુલ ૧૫ વ્યક્તિઓ સામે રાયોટિંગ, સરકારી કામમાં અડચણ સહિતની કલમ હેઠળ ગુનો નોધીને બે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૃ કરી છે.
રામોલ પોલીસે ૧૫ જેટલા વ્યક્તિઓ સામે ગુનો નોધીને બે આરોપીઓની ધરપકડ કરી
રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશકુમાર રઘુભાઇ તેમના સ્ટાફના પોલીસકર્મીઓ સાથે ચાર વોન્ટેડ આરોપીને પોલીસ સ્ટેશન લાવીને તેમની સામે પાસા અટકાયતી હુકમની બજવણી કરવાની કામગીરી ચાલતી હતી. તે સમયે આરોપીઓના સગાસંબંધીઓ થતા અજાણી મહિલાઓ સહિત કુલ ૧૫ વ્યક્તિઆનું ટોળુ પોલીસ સ્ટેશન આવ્યું હતું અને બજવણી નહી કરવા દેવા ભેગા થઇને વોન્ટેડ આરોપીઓને પોલીસ સ્ટેશન ખાતેથી ભગાડી જવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહી તમામ લોકોએ પોલીસ સ્ટેશનની સામે જ પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી કરીને કેરોસીન છાંટીને આત્મવિલોપન કરવાની ધમકી આપી હતી.
તેમજ પોલીસે ફરિયાદી પાસેથી રૃપિયા લઇને ખોટા હુકમ કરાવેલ છે તેવા આક્ષેપ કર્યા હતા. તેમાંથી બે શખ્સોને ઝડપી પાડયા હતા. આ બનાવ અંગે રામોલ પોલીસે કુલ ૧૫ લોકો સામે રાયોટિંગ, સરકારી કામમાં રૃકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે.