Image: Twitter
દુશ્મનનો દુશ્મન દોસ્ત હોય છે…તેવી નીતિ હવે ભારત સરકારે પણ અપનાવી લીધી છે. પાકિસ્તાનને ખુલ્લેઆમ સમર્થન આપી રહેલા તુર્કીને ગ્રીસ સાથે વાંધો છે અને ભારતે તુર્કીને જવાબ આપવા માટે ગ્રીસ સાથેના સબંધો મજૂબત કરવા માંડ્યા છે.જેના ભાગરુપે ગ્રીસના લશ્કરી વડા જનરલ દિમિત્રિયોસ આગામી સપ્તાહે ભારતની મુલાકાતે આવશે.બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં ઘણી સમજૂતિઓ થાય તેવી શક્યતા છે.
ગ્રીસના મીડિયાના અહેવાલ પ્રમાણે બંને દેશ પહેલી વખત સેના, નૌસેના તેમજ વાયુસેનાની સાથે સાથે સ્પેશિયલ ફોર્સીસના સંયુક્ત યુધ્ધાભ્યાસથી માંડીને બીજી ઘણી બાબતો પર એક બીજાને સહકાર આપવા માટે ચર્ચા કરશે.સાથે સાથે બંને દેશો ટેકનોલોજી, ઈનોવેશન તેમજ સૈનિકોની તાલીમના મુદ્દે પણ સંયુક્ત કરાર પર હસ્તાક્ષર કરે તેવી સંભાવના છે.
એમ પણ ભારત અ્ને ગ્રીસ વચ્ચે સહકાર વધી રહયો છે.બંને દેશોની સેનાએ એક બીજાના દેશમાં જઈને સંયુક્ત યુધ્ધાભ્યાસ કરવાનુ શરુ પણ કરી દીધુ છે.હવે ગ્રીસના આર્મી ચીફ ભારતની મુલાકાતે આવી રહ્યા છે.
જનરલ દિમિત્રિયોસ ભારતમાં તેમના સમકક્ષ અનિલ ચૌહાણને અને બીજા અધિકારીઓને મળશે તેમજ સુરક્ષાના મુદ્દાઓ પર ચર્ચા કરશે.જેમાં ઓપરેશન રેડ સીમાં ભારત સાથે ગ્રીસની નૌસેનાની ભાગદારી પર તેમજ યુક્રેન યુધ્ધ પર પણ ચર્ચા થશે.
તાજેતરમાં જ ગ્રીસના વડાપ્રધાન ક્યારીકોસ મિત્સોટાકિસ પણ ભારતની મુલાકાતે આવ્યા હતા અને તે પહેલા પીએમ મોદીએ પણ ગ્રીસનો પ્રવાસ કર્યો હતો.બંને દેશો એક બીજાને મહત્વના મુદ્દાઓ પર સમર્થન પણ આપી રહ્યા છે.
સાઈપ્રસના મુદ્દે ગ્રીસ અને તુર્કી વચ્ચેના સબંધો ખરાબ છે ત્યારે ભારતે ગ્રીસનુ સમર્થન કરીને તુર્કીને સંદેશ આપી દીધો છે કે, પાકિસ્તાનને સમર્થન આપવાનુ જો તુર્કી ચાલુ રાખશે તો ભારત પણ આ જ પ્રકારની નીતિ અપનાવી શકે છે.