Image: Freepik
વડોદરા ના ડોક્ટરે તેમના મિત્રને મદદરૂપ થવા રૂ. 18 લાખ આપ્યા હતા તે પરત નહીં કરતા મામલો કોર્ટ સુધી પહોંચતા આખરે અમી એન્ટરપ્રાઇઝના સંચાલક ભુપેન્દ્ર જાદવને ચેક રિટર્ન ના કેસમાં એક વર્ષની સજા અને ફરિયાદીને તેમના નાણા પરત કરવા નો હુકમ કર્યો છે.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા ફરિયાદી ડોક્ટર અંકિત ઝવેરીએ અટલાદરા વિસ્તારની દર્શન સોસાયટીમાં રહેતા અને અમી એન્ટરપ્રાઇઝના સંચાલક ભુપેન્દ્રસિંહ ઉદેસિંહ જાદવને મિત્રતાને નાતે વર્ષ 2016 દરમિયાન ટુકડે ટુકડે કુલ રૂ. 18 લાખની રકમ આપી હતી. જે રકમ આરોપીએ બે માસમાં પરત ચૂકવવા કરાર કર્યો હતો. અને તે રકમ પરત આપવા માટે ખોટા વાયદાઓ કરી ચેક આપ્યા હતા. તે પેટેનો રૂપિયા 17.50 લાખનો ચેક બેંકમાં જમા કરાવતા રિટર્ન થયો હતો. આ અંગે વકીલ મારફતે નોટિસ મોકલવા છતાં રકમ પરત ન આપતા ફરિયાદીએ આરોપી સામે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ મુજબ ફરિયાદ કરી હતી. જે અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા ફરિયાદી પક્ષ તરફે ધારાશાસ્ત્રી એ.આર ક્રિશ્ચન અને આરોપી પક્ષ તરફે ધારાશાસ્ત્રી જે પી દેસાઈ એ દલીલો કરી હતી. બંને પક્ષોની દલીલો અને પુરાવાની ચકાસણી બાદ પાંચમા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સુનંદા પ્રશાંત દુલેરા એ નોંધ્યું હતું કે, આરોપી અદાલતમાં હાજર થયા બાદ ચેક બાબતે કોઈ બોનાફાઇડ તકરાર લેવામાં આવી નથી. ઉલટ તપાસમાં અનુમાનોના ખંડન સંબંધી પણ અન્ય કોઈ મહત્વના બચાવ લેવામાં આવ્યા નથી. જે બચાવ લેવામાં આવેલ છે તે વિશ્વસનીય પુરાવા નથી. અને આરોપી વિરુદ્ધ આરોપ સાબિત થતો હોય ગુનાની ગંભીરતા જોતા આરોપીને એક વર્ષની સાદી કેદ તથા 17.60 લાખ વળતર પેટે ફરિયાદીને ચૂકવવા હુકમ કર્યો છે.