– અડાજણના એલ.પી. સવાણી રોડની ઘટના, પૈસા ઘરેથી લાવવાનું ભુલી ગયો છું, દસ મિનીટમાં ઉપાડીને આવું છું કહેતા સામાન આપી દીધો
– અડધો કલાક સુધી ગ્રાહક નહીં આવતા કોલ કરતા બિભત્સ વાત કરી વિડીયો કોલ કર્યો, ધમકી આપતા કહ્યું મે જાનતા હું કી તું તેરી મેડિકલ શોપ પે અકેલી બેઠતી હે, અબ દેખ મેં તેરા કિયા કરતા હું
સુરત
અડાજણ વિસ્તારના મેડિકલ સ્ટોરમાંથી રૂ. 800 નો સામાન ખરીદયા બાદ પૈસા ઘરે ભુલી ગયો છું, દસ મિનીટમાં પૈસા ઉપાડીને આવું છું એમ કહીને ગયા બાદ ગ્રાહકના સ્વાંગમાં ઠગ પરત આવ્યો ન હતો. પરંતુ સ્ટોર માલિક મહિલાએ ફોન કરી ઉધરાણી કરતા બિભત્સ મેસેજ અને વિડીયો કોલ કરી લીંગ બતાવવા ઉપરાંત મે જાનતા હું કી તું તેરી મેડિકલ શોપ પે અકેલી બેઠતી હે, અબ દેખ મેં તેરા કિયા કરતા હું એવી ધમકી આપ્યાની ફરિયાદ અડાજણ પોલીસમાં નોંધાય છે.
અડાજણના એલ.પી. સવાણી રોડ ઉપર મેડિકલ સ્ટોરમાંથી અજાણ્યા ગ્રાહકે પરફ્યુમ, સનસ્ક્રીન લોશન સહિત રૂ. 800 નો સામાન ખરીદયા બાદ હું પૈસા ઘરેથી લાવવાનું ભુલી ગયો છું, દસેક મિનીટમાં પૈસા ઉપાડીને આવું છું એમ કહેતા દુકાનદાર 42 વર્ષીય મહિલા ઇશીતા (નામ બદલ્યું છે) એ સામાન આપી દીધો હતો. પરંતુ અજાણ્યા ગ્રાહક ઉપર ઇશીતાને ભરોસો કરવાનું ભારે પડયું હતું અને અડધો કલાક સુધી ગ્રાહક પરત નહીં આવતા ઇશીતાએ ઉઘરાણી માટે કોલ કર્યા હતા. પરંતુ ગ્રાહકે કોલ રિસીવ કર્યા ન હતા અને નંબર બ્લોકમાં મુકી દીધો હતો. જો કે ત્રણેક દિવસ બાદ ગ્રાહકે કોલ કરી બિભત્સ વાત કરતા ઇશીતા ચોંકી ગઇ હતી અને નંબર કટ કરી દઇ એલ.પી. સવાણી સ્કૂલ નજીક મેડિકલ સ્ટોર ચલાવતા પતિને જાણ કરી હતી. પતિએ ટ્રુ કોલર ઉપર નંબર ચેક કરતા અમીત ગર્ગ નામ હતું. પાંચેક દિવસ બાદ ગ્રાહકે પુનઃ બિભત્સ મેસેજ અને વિડીયો કોલ કરી પોતાનું લીંગ બતાવતા ઇશીતાએ નંબર બ્લોક કરી પતિને જાણ કરી હતી. પતિએ કોલ કરી મેસેજ નહીં કરવા અને પેમેન્ટ ચુકવવાનું કહેતા તમારાથી થાય એ કરી લો એવી ધમકી આપી હતી. જેથી ગ્રાહકે બીજા નંબરથી કોલ કરી ધમકી આપી હતી કે મે જાનતા હું કી તું તેરી મેડિકલ શોપ પે અકેલી બેઠતી હે, અબ દેખ મેં તેરા કિયા કરતા હું. જેથી ઇશીતાએ 20 વર્ષીય પુત્રને જાણ કરી હતી અને પુત્રએ વાતચીત કરી પકડવા માટે છટકું ગોઠવી સિટીલાઇટ રોડ અણુવ્રત દ્વાર પાસે બોલાવ્યો હતો. પરંતુ ગંધ આવી જતા તે આવ્યો ન હતો. જો કે પોલીસે મોબાઇલ નંબરના આધારે ભેજાબાજ અભિષેક ગૌરીશંકર ગોયલ (ઉ.વ. 25 રહે. સાંઇ કે.જી ફ્લેટસ, અલથાણ) ની ધરપકડ કરી છે.