image : Socialmedia
Moscow Concert Hall Attack : રશિયાની રાજધાની મોસ્કોના કોન્સર્ટ હોલમાં આતંકી હુમલો કરનારા આતંકીઓને રશિયાએ પકડી પાડયા હતા અને તેમની પૂછપરછમાં એક પછી એક ચોકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ હુમલામાં 145 લોકોના મોત થયા હતા.
આતંકીઓએ પહેલા પણ કહ્યુ હતુ કે, પૈસાની લાલચમાં અમે આ હુમલો કર્યો હતો પણ સુરક્ષા એજન્સીઓની પૂછપરછમાં તેમને કેટલા પૈસા મળવાના હતા તેની પણ જાણકારી સામે આવી છે.
રશિયાની સુરક્ષા એજન્સી ફેડરલ સિક્યુરિટી સર્વીસના કહેવા પ્રમાણે મોસ્કોમાં હુમલો કરનાર આતંકીઓનો હેન્ડલર સૈફુલ્લા નામનો વ્યક્તિ હતો. તેના આદેશોનુ આતંકીઓ પાલન કરી રહ્યા હતા. સુરક્ષા એજન્સીએ જાહેર કરેલા વિડિયોમાં પણ આતંકી આ વાતનો ઉલ્લેખ કરતો નજરે પડે છે. તેણે કહ્યુ હતુ કે, હુમલો કરીને અમને યુક્રેન ભાગી જવા માટે કહેવામાં આવ્યુ હતુ. યુક્રેનની રાજધાની કીવમાં હુમલામાં સામેલ દરેક વ્યક્તિને 10 લાખ રૂબલ એટલે કે નવ લાખ રૂપિયા મળવાના હતા. સૈફુલ્લાએ અમને કહ્યુ હતુ કે તમે યુક્રેનની સીમા સુધી પહોંચો. એ પછી અમે તમને યુક્રેનમાં પ્રવેશવામાં મદદ કરીશું.
જોકે રશિયન એજન્સીઓએ હુમલાના આરોપીને યુક્રેનની સીમાથી 140 કિલોમીટર પહેલા પકડી લીધો હતો. આરોપીએ કહ્યુ હતુ કે, બોર્ડર પર કાર છોડી દઈને અમારે હેન્ડલર સૈફુલ્લાને ફોન કરવાનો હતો.
રશિયાનો દાવો છે કે, યુક્રેનની સીમા પરના બે ગામમાં યુક્રેન સતત ભાંગફોડની પ્રવૃત્તિઓ કરી રહ્યુ છે. આ રસ્તે આતંકીઓ યુક્રેનમાં પ્રવેશવાના હતા. કાર છોડીને તેઓ પગપાળા જ બોર્ડર પાર કરવાના હતા. પકડાયેલા વ્યક્તિના ફોનમાંથી યુક્રેન સમર્થકોની તસવીરો પણ મળી છે.
ઉલ્લેખનીય છે કે, રશિયામાં થયેલા આતંકી હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટ-ખોરાસન પહેલા જ લઈ ચુકયુ છે. આ હુમલામાં સામેલ તમામ આતંકવાદીઓને પકડી લેવાયા હોવાનો રશિયાનો દાવો છે.