પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી : માનસિક અસ્વસ્થ બાળક અકસ્માતે પાણીના ખાડામાં પડી ગયાનું અનુમાનઃ પી.એમ. રીપોર્ટ બાદ મોતનું કારણ બહાર આવશે
રાજકોટ, : રાજકોટમાં કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રમવા ગયેલો પાંચ વર્ષનો બાળક લાપત્તા બની ગયો હતો. શોધખોળ કરવા છતાં કોઈ પત્તો નહીં લાગતા પરિવારજનોએ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.
દરમિયાન શિતળાધાર તરફ એક ખાડામાંથી આ બાળકની લાશ મળી આવતા પોલીસે ફોરેન્સીક પી.એમ. કરાવી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, કોઠારીયા સોલવન્ટમાં ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં રહેતા અને કારખાનામાં મજુરી કરતા મૂળ એમ.પી.નાં બાબુલાલ આહીરવારનો પાંચ વર્ષનો પુત્ર વિક્રમ ગઈ તા.૩નાં બપોરે ઘરેથી શેરીમાં રમવા ગયા બાદ લાપત્તા બની ગયો હતો.
જેથી પરિવારજનોએ શોધખોળ કરવા છતા કોઈ પત્તો નહી લાગતા પોલીસમાં જાણ કરી હતી. આજી ડેમ પોલીસે આ અંગે અપહરણનો ગુનો દાખલ કરી સીસીટીવી ફુટેજના આધારે શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન ગઈકાલે શિતળાધાર નજીક એક ખાડામાંથી વિક્રમની લાશ મળી આવતા આજી ડેમ પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી ફોરેન્સીક પી.એમ. માટે મૃતદેહને સિવિલમાં ખસેડયો હતો.
પોલીસે જણાવ્યુ કે લાશ સંભવતઃ દોઢેક દિવસ પાણીમાં પડી રહી હોવાથી ફુલાઈ ગઈ છે. તે અકસ્માતે પાણીના ખાડામાં પડી જતા મૃત્યુ થયાનું લાગી રહ્યું છે. જોકે મોતનું ચોકકસ કારણ પી.એમ. રીપોર્ટ બાદ બહાર આવશે. મૃતક બે ભાઈમાં નાનો હતો. તે માનસિક અસ્વસ્થ હતા. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.