પાલિકાની લડાઈ એક કદમ આગળ વધતા ઉત્તેજના વ્યાપી ગઇ
નારાજ સભ્યોએ RCM અને કલેક્ટરને લેખિત રજૂઆત કરતા ખળભળાટ
વગર જોડાણો ભુગર્ભ ગટરના મેન્ટેનન્સ ઉધારાતુ હોવાનુ કહેવાય છે
દાહોદ નગર પાલિકામાં બે જૂથો વચ્ચેનો જંગ ઠરી જશે તેમ લાગતુ હતુ પરંતુ આ યુધ્ધ પહેલાની શાંતિ પણ પુરવાર થઈ શકે છે.કારણ કે નારાજ સભ્યોના જૂથ દ્રારા મુદત પૂર્ણ થઈ હોવાથી તાત્કાલિક સામાન્ય સભા બોલાવવા વિભાગીય મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.
દાહોદ પાલિકામાં ભાજપાના ચુંટાયેલા 31 અને ગત વિધાનસભાની ચુંટણી વખતે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા 3 સહિત કુલ 34 સભ્યો છે અને કોંગ્રેસના માત્ર બે જ મહિલા સભ્યો છે. ગત સપ્ટેમ્બર માસમાં પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી આવતા નિરજ ઉર્ફે ગોપી દેસાઈને નો રિપીટ થિયેરીમાં ભાજપે પ્રમુખ બનાવ્યા હતા. તેના થોડા સમય બાદ કેટલાક સભ્યોની નારાજગી સામે આવી હતી. પ્રમુખના વાણી વર્તન ખરાબ હોવાના આક્ષેપ સાથે ઘણા નગર સેવકોએ પાલિકામાં આવવાનું બંધ કર્યું હતુ. નારાજગીનો ઉકળતો ચરુ લોકસભાની ચૂંટણીને કારણે શાંત હતો પરંતુ 4 જૂને પરિણામ આવતાની સાથે જ આ જવાળામુખી ફટયો હતો.20 થઈ વધુ સભ્યો સહેલગાહે ઉપડયાં હતા. પરત આવતા જ એડીટેડ વીડિયો વાઈરલ કરાતા તેમજ પ્રમુખ પર હુમલો કરવા બાબતની અરજીઓ પણ પોલીસ મથકે પેન્ડીંગ છે. સંગઠનમાં શિખરથી તળેટી સુધી રજૂઆતો બાદ ભારેલા અગ્નિ વચ્ચે ગંઢ શાંતિ પ્રવર્તિ હતી. હવે કશુ ન થાય તેવી વાતો વહેતી થવાની વચ્ચે એક નવો ફ્ણગો ફૂટયો છે. જેમા નારાજ સભ્યોના જૂથે સામાન્ય સભા બોલાવવા વિભાગીય મ્યુ. કમિશનર અને કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, છેલ્લી સામાન્ય સભા ગત 7 માર્ચે બોલાવાઈ હતી. પરંતુ ચાર માસ થવા સુધી બીજી સામાન્ય સભા ન બોલાવાતા કેટલાક મહત્વના કામો રોકાઈ ગયા છે. જેથી તાત્કાલિક સામાન્ય સભા યોજવા માગ કરી છે.
કયા કામો રોકાઈ ગયા છે
ભુગર્ભ ગટરના 15 % કનેક્શન બાકી
સફઈ કામદારો,કર્મચારીઓના પેન્ડીંગ પ્રશ્નો
વિવિધ વિસ્તારમાં મંજૂર થયેલા રસ્તાઓની કામગીરી
જરૂરિયાત પ્રમાણે નવા રસ્તાઓની મંજૂરી
ચોમાસામાં જન આરોગ્યની ચિંતા
વરસાદી પાણીના નિકાલ તથા સફઈ
પીવાના પાણીની સમસ્યા
અધિકારીઓની ગેરહાજરીથી હાલાકી
જોડાણ વગર મેન્ટેનન્સ વેરો ?
છેલ્લા ત્રણ વર્ષથી મંજૂર થયેલા રસ્તાના કામ થતા નથી, ચોક્કસ વિસતારોમા જ કામ થતા હોવાની રજૂઆત છે. ત્યારે વગર જોડાણો ભુગર્ભ ગટરના મેન્ટેનન્સ ઉધારાતુ હોવાનુ કહેવાય છે. જો એ સાચુ હોય તો તેમ ન થવુ જોઈએ તેવી માગ ઉઠી છે. આગામી સમયમા આ મુદ્દો વકરે તો નવાઈ નહી.